દેશનો કોઈ પણ ગરીબ માનવી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તેની સરકારે ચિંતા કરી છે
૧૮ વર્ષથી બંધ વ્યારા સુગરને ૩૦ કરોડના ખર્ચે ખેડૂતોના હિતમાં ફરી શરૂ કરવામાં આવી :- આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
માતૃભૂમિના જતન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
માંડવી ખાતે ૨ દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન જીવવા તથા માતૃભૂમિના જતન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે એમ રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા માંડવી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ અને સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતો આર્થિક રીતે પગભર થાય, ગરીબો આત્મનિર્ભર બને, ગામડું સ્વાવલંબી બનશે તો જ દેશ સમૃદ્ધ બનશે એમ જણાવી તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે એમ વધુમાં ઉમેર્યું હતું.
દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન છેલ્લા ૧૮ વર્ષથી બંધ વ્યારા સુગરને રૂપિયા ૩૦ કરોડના ખર્ચે ફરી શરૂ કરવામાં આવી છે એમ કહી તેમણે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે બમણી થાય એ માટે સતત પ્રયાસરત છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ખેડૂતોને ખેતીવાડીમાં સુધારેલા બિયારણો અપનાવવા તેમજ પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો સારી સુધારેલી જાતના પશુઓ પસંદ કરે તો સારી આવક મેળવી શકે છે એમ કહી તેમણે પોતાના ખેતી અને પશુપાલન અંગેના અનુભવો ઉપસ્થિત ખેડૂતો સમક્ષ વર્ણવ્યા હતા.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશનો કોઈપણ નાગરિક સરકારી યોજનાઓથી વંચિત ન રહી જાય એની ચિંતા પણ સરકારે કરી છે એમ કહી તેમણે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ હવે ઘર આંગણે જ મેળવી શકશે એમ કહી તેમણે ખેડૂતોને આ કૃષિ મહોત્સવ દરમિયાન તજજ્ઞો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી મંત્રીએ પોતે તેમજ અન્યોને પણ સરકારની યોજનાઓ લાભ અપાવવામાં મદદરૂપ થવા હાકલ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે જો ખેડૂતોએ આવક બમણી કરવી હશે તો ખેતી ખર્ચમાં ઘટાડો કરવો પડશે જેનો સૌથી સારો વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે એમ કહી તેમણે રાજ્ય સરકારની ખેતી અને પશુપાલન અંગેની યોજનાઓની વિગતે છણાવટ કરી હતી. તેમણે સરકારની કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે તંત્ર દ્વારા માર્કેટીંગ વ્યવસ્થા અંગે કરવામાં આવી રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી.
પ્રથમ દિવસે કૃષિ પ્રદર્શન અને કૃષિ પરિસંવાદ જેમાં પ્રાકૃતિક ખેતી અંગે વક્તવ્ય, પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનના ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે કૃષિ વૈજ્ઞાનિક દ્વારા વક્તવ્ય અને પ્રશ્નોતરી, બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી અંગે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું વક્તવ્ય યોજાયું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા જીલ્લા ખેતીવાડી અધિકારી સતિષભાઈ ગામીતે કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કરી ઉપસ્થિત ખેડૂતોને રવિ કૃષિપાકો અંગે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવનાર માર્ગદર્શનનો લાભ લઇ રવિ કૃષિ ઉત્પાદન વધારવા આગ્રહ કર્યો હતો. કાર્યક્રમની આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી આર.એલ.સોલંકીએ આટોપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સુરતના સભ્ય અનિલભાઈ ચૌધરી, માંડવી નગરપાલિકા પ્રમુખ નીમેશભાઇ શાહ, નગરપાલિકાના કારોબારી કિરીટભાઈ પટેલ, માંડવી પ્રાંત અધિકારી કૌશિકભાઈ જાદવ, માંડવી મામલતદાર મનીષભાઈ પટેલ, બાગાયત અધિકારી દીપેશભાઈ પટેલ, અગ્રણી નીતિનભાઈ શુક્લા, નગરના કોર્પોરેટરો, મદદનીશ ખેતી નિયામક બારડોલી હિતેશભાઈ ગામીત, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક એ.આર.પટેલ, ડૉ.કે.જી. કણજારિયા, એન.વી.રાદડીયા અને ખેતીવાડી વિભાગની અધિકારીઓ-કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.