સુરતના કતારગામ ખાતે નેશનલ પાવર લિફ્ટિંગ બેન્ચપ્રેસ એન્ડ ડેડ લિફ્ટ ચેમ્પિયનશીપ અને ગુજરાત સ્ટેટ પોલીસ પાવર લીફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૩નો શુભારંભ
સ્પોર્ટ્સ વ્યક્તિત્વ ખીલવે છે, જ્યારે ડ્રગ્સ વ્યક્તિને પાયમાલીની ગર્તામાં ધકેલે છે
સ્પોર્ટ્સનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી: સ્પોર્ટ્સ એ વ્યક્તિને હંમેશા યુવાન રાખે છે
શહેરના નાગરિકો-યુવાનો ડ્રગ્સના દૂષણથી બરબાદીની ખાઈમાં ન ધકેલાય તેમજ સ્પોર્ટ્સમાં પ્રોત્સાહન મેળવે એ માટે સુરત પોલીસે ‘નો ડ્રગ્સ ઈન સુરત’ અભિયાન છેડ્યું છે : પોલીસ કમિશનર અજયકુમાર તોમર
કુલ-૩ ઈવેન્ટ (પાવર લિફ્ટિંગ, બેંચપ્રેસ, ડેડલિફ્ટ) માં વિવિધ ૩૨ કેટેગરીમાં યોજાઈ રહી છે સ્પર્ધા: દેશના ૧૭ રાજ્યોના ૬૨૦ એથ્લેટ્સ લઈ રહ્યા છે ભાગ
ગુજરાત સ્ટેટ પોલીસના અધિકારી/કર્મચારીઓ માટેની સ્પર્ધામાં ૧૦ મહિલા ખેલાડીઓ સહિત કુલ ૨૨ ખેલાડીઓ જોડાયા
સુરત સિટી પોલીસ અને સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે તા.૧ થી ૩ ડિસે. દરમિયાન નેશનલ પાવર લિફ્ટિંગ બેન્ચપ્રેસ એન્ડ ડેડ લિફ્ટ ચેમ્પિયનશીપ અને ગુજરાત સ્ટેટ પોલીસ પાવર લીફ્ટિંગ ચેમ્પિયનશીપ-૨૦૨૩નો ભવ્ય શુભારંભ થયો છે. કુલ-૩ ઈવેન્ટ (પાવર લિફ્ટિંગ, બેંચપ્રેસ, ડેડલિફ્ટ) માં વિવિધ ૩૨ કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ રહી છે, જેમાં જમ્મુ કાશ્મીર સહિત દેશના કુલ ૧૭ રાજ્યોના ૬૨૦ એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે.
આ પ્રસંગે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે પ્રેરણાત્મક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી. સ્પોર્ટ્સ એ વ્યક્તિને હંમેશા યુવાન રાખે છે. ખેલકૂદને પ્રોત્સાહન આપીને જ ફીટ ઈન્ડિયાનું લક્ષ્ય હાંસલ કરી શકાશે. વિશ્વના શક્તિશાળી દેશો સ્પોર્ટ્સને પણ ભારોભાર મહત્વ આપે છે. આવા વિકસિત દેશો શિક્ષણ, ઈકોનોમી અને સ્પોર્ટ્સમાં સંતુલન જાળવીને વિકાસ સાધવામાં અગ્રેસર છે, એટલે જ તેઓ દેશવિદેશની સ્પોર્ટ્સ ઈવેન્ટસમાં સેંકડો મેડલો મેળવવામાં મોખરે રહે છે. સ્પોર્ટ્સ અને શિક્ષણમાં જે પરસેવો વહાવશે તેઓ નિરંતર આગળ વધવાની ક્ષમતા મેળવી શકશે.
કમિશનર હનુમાનજી અને ભીમ જેવા પ્રાચીન બળશાળી પાત્રોનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, સાહસ અને શક્તિના પ્રતિક એવા હનુમાનજી અને ભીમ પુરાતનકાળમાં પાવર લિફ્ટિંગના ઉત્તમ ઉદાહરણ છે. સ્પોર્ટ્સ વ્યક્તિત્વ ખીલવે છે, જ્યારે ડ્રગ્સ વ્યક્તિને પાયમાલીની ગર્તામાં ધકેલે છે એમ જણાવતા ઉમેર્યું કે, શહેરના નાગરિકો- યુવાનો ડ્રગ્સના દૂષણથી દૂર રહે અને બરબાદીની ખાઈમાં ન ધકેલાય તેમજ સ્પોર્ટ્સમાં પ્રોત્સાહન મેળવે એ માટે ‘નો ડ્રગ્સ ઈન સુરત’ અભિયાન છેડ્યું છે. જેમાં વિવિધ સ્કૂલ-કોલેજો, જાહેર સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, રોડ-રસ્તાઓ ઉપર ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમો સમયાંતરે યોજવામાં આવે છે.
તોમરે ઉમેર્યું કે, આ વખતે પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં ગુજરાત સ્ટેટ પોલીસના અધિકારી/કર્મચારીઓ માટે પણ ચેમ્પીયનશીપ યોજવામાં આવી છે, જેમાં ૧૦ મહિલા ખેલાડીઓ સહિત કુલ ૨૨ ખેલાડીઓ જોડાયા છે. લોકોની સુરક્ષા સાથે સ્પોર્ટ્સમાં પણ ભાગીદારી નોંધાવવાની તક પોલીસ જવાનોને મળી છે.
યુનાઈટેડ પાવર લિફ્ટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(યુ.પી.એફ.આઈ.)ના ચેરમેન પ્રેસિડેન્ટ ડો.પી.એ અરૂણ મણિએ પાવર લિફ્ટિંગ અને વેઈટ લિફ્ટિંગ વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે, પાવર લિફ્ટિંગમાં ખભાથી નીચે અને વેઈટ લિફ્ટિંગમાં ખભાથી ઉપર વજન ઉંચકવામાં આવે છે. તેમણે આગામી માર્ચ-૨૦૨૪માં તામિલનાડુના સેલમ સિટીમાં યોજનાર આગામી પાવર લિફ્ટિંગ સ્પર્ધાની રૂપરેખા આપી હતી.
યુ.પી.એફ.આઈ.ના ચીફ પેટ્રન હેમંતકુમારે સુરત પોલીસને આ ઈવેન્ટ યોજવા બદલ સુરત પોલીસને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સ્પર્ધાના સુવ્યવસ્થિત આયોજનમાં સુરત પોલીસ સ્ટાફનું અનન્ય યોગદાન રહ્યું છે, સુરતની મહેમાનગતિ માણીને દરેક ખેલાડીઓ તેમજ પ્રતિનિધિઓ આનંદિત છે.
આ વેળાએ ઉપસ્થિત સૌએ ખેલકૂદને મહત્વ આપવાની તેમજ સ્પોર્ટ્સને જીવનનો ભાગ બનાવવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ઉપરાંત, વિવિધ રાજ્યોમાંથી આવેલા પાવર લિફ્ટરોએ પાવર લિફ્ટિંગનું ડેમોન્સ્ટ્રેશન રજૂ કર્યું હતું.
નોંધનીય છે કે, આ કોમ્પીટીશનમાં ૩૨ ચેમ્પીયન ઓફ ચેમ્પીયન વિનર બનશે અને તેઓને સ્પોન્સર ધર્મનંદન ડાયમંડ અને ભંડેરી લેબગ્રોન ડાયમંડ દ્વારા ટ્રોફી અને કેશ પ્રાઈઝ જ્યારે અન્ય વિજેતાઓને મેડલ તેમજ કેશ પ્રાઈઝ અપાશે.
આ પ્રસંગે ધારાસભ્યો પ્રવીણભાઈ ઘોઘારી અને કાંતિભાઈ બલર, મનપાની સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન દેસાઈ, શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ધર્મનંદન ડાયમંડના ચેરમેન લાલજીભાઈ પટેલ, ભંડેરી લેબગ્રોન ડાયમંડના ચેરમેન ઘનશ્યામ ભંડેરી, જોઈન્ટ પોલીસ કમિશનર વબાંગ ઝમીર, જોઈન્ટ પોલીસ કમિશનર(ટ્રાફિક) એચ.આર.ચૌધરી, એડિશનલ પો.કમિશનર (સેક્ટર-૧) કે.એન. ડામોર તેમજ વિવિધ રાજ્યમાંથી આવેલા પાવર લિફ્ટર્સ, પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.