ચેમ્બરની ‘૭મી નેશનલ એચઆર કોન્કલેવ’નું ભારતીય નેવીના નેવલ સ્ટાફના ચીફ એડમિરલ આર. હરી કુમારના હસ્તે ઉદઘાટન કરાયું
‘ધી ફ્યુચર ઓફ એચઆરઃ અ બિઝનેસ પર્સપેક્ટીવ’ થીમની સાથે નેશનલ એચઆર કોન્કલેવ યોજાઈ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૦૭ નવેમ્બર ૨૦૨૩, મંગળવારના રોજ સવારે ૮:૦૦થી બપોરે ૨:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન પ્લેટિનમ હોલ, સુરત ઈન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેશન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘૭મી નેશનલ એચઆર કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની થીમ ‘ધી ફ્યુચર ઓફ એચઆરઃ અ બિઝનેસ પર્સપેક્ટીવ’ રાખવામાં આવી હતી.
‘૭મી નેશનલ એચઆર કોન્કલેવ’નું ઉદઘાટન ભારતીય નેવીના નેવલ સ્ટાફના ચીફ એડમિરલ આર.હરી કુમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના ડિરેક્ટર પ્રો.ભરત ભાસ્કર અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કોન્કલેવના ઉદઘાટન પ્રસંગે ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ‘ચેમ્બરની ૭મી નેશનલ એચઆર કોન્કલેવનો મુખ્ય ઉદેશ્ય મહત્તમ આંત્રપ્રિન્યોર્સને લાભ મળે તે છે. એચઆર શબ્દનો ઈન્ડસ્ટ્રી સાથે એક અનેરો સંબંધ છે. બંને એક-બીજા સાથે પરસ્પર રીતે સંકળાયેલા છે. હ્યુમન રિસોર્સ મેળવવા અને તેમનું યોગ્ય રીતે સંચાલન કરવું, સંભાળ કરવું એક મહત્વનું કાર્ય છે. એચઆર એ એવા લોકોનો સમૂહ છે, જેઓ સંસ્થા, વ્યવસાય ક્ષેત્ર, ઉદ્યોગ અથવા અર્થતંત્રના કર્મચારીઓ બનાવે છે.’
૭મી નેશનલ એચઆર કોન્કલેવનું ઉદઘાટન કરતાં ભારતીય નેવીના નેવલ સ્ટાફના ચીફ એડમિરલ આર.હરીકુમારે જણાવ્યું હતું કે, ‘આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના કારણે આગામી સમયમાં બદલાવ આવશે એ વાત નિશ્ચિત છે. પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ હ્યુમન રિર્સોસ જેવી ક્રિએટીવિટી નહીં બતાવી શકે તે વાત પણ ધ્યાને લેવા જેવી છે. ભારતને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે રો-મટેરીયલ એક્ષ્પોર્ટ કરવામાં રોડ અને રેલ કરતા જળમાર્ગ મહત્વની ભૂમિકા બજાવશે. ગુજરાતે સદીઓથી સમુદ્ર માર્ગે એક્ષ્પોર્ટ ક્ષેત્રે નોંધનીય કામગિરી કરી છે.’
તેમણે એચઆર પ્રોફેશનલ્સ અને આંત્રરપ્રિન્યોર્સને ‘ફાઈવ-ડી’નો મંત્ર આપતાં જણાવ્યું હતું કે, ‘ભારતની તાકત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ડેમોગ્રેફી, ડેમોક્રેસી, ડિસેસિવનેસ, ડિમાંડની સાથે જ હું માનું છું કે, ડિસરપ્શનમાં છે અને તે ધ્યાને રાખી કાર્ય કરવું જોઈએ. ભારતમાં ૨૭ ટકા વસ્તી યુવાશક્તી હોવાથી દેશના વિકાસમાં તેઓ મહત્વની ફરજ બજાવે છે. તેમણે ફોર એફની થિયરી ફંડ્સ, ફન, ફેલોશિપ અને ફિલીંગ વિશે સમજ આપી હતી.’
અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના ડિરેક્ટર પ્રો.ભરત ભાસ્કરે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, ‘હાલમાં ટેક્નોલોજીના કારણે વર્કફોર્સમાં રેપિડ ચેન્જ જોવા મળી રહ્યો છે. ટેક્નોલોજીના આ આધુનિક સમયમાં જરૂર છે તે સમયની સાથે પરિવર્તન કરવાની. હાલમાં અનેક કંપનીઓમાં રોબોટના માધ્યમથી કામ કરાવવામાં આવી રહ્યું છે. જે સામાન્ય શીપીંગ જેવા કામ વ્યક્તિ કરી શકે છે તે રોબોટ થકી કરવામાં આવી રહ્યા છે. પરંતુ માનવીઓ, હ્યુમન રિર્સોસ જે સ્ટ્રેટેજી, ક્રિએટીવિટી અને ફિલીંગ્સ સાથે કાર્ય કરે છે. તેવું શક્ય નથી.’ પ્રો.ભરત ભાસ્કરે મહાભારતના શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદના દૃષ્ટાંતો થકી આંત્રરપ્રિન્યોર્સને સંબોધિત કર્યા હતા.
આ કોન્કલેવ દરમિયાન મારુતી સુઝુકી ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ ઓફ પીપલ ઓપરેશન્સ સૌરભ પાઠકે પ્રોફેશનલ્સને ઉપયોગી એવા સંસ્થા મેનેજમેન્ટ અંગેનું પ્રેઝટેશન કર્યું હતું. અદાણી ગ્રુપના ગ્રુપ સીએચઆરઓ વિક્રમ ટન્ડને સુરતની પ્રથમવાર મુલાકાત લેવાની સાથે જ સ્વચ્છ સુરતના વખાણ કર્યા હતા.
શ્રી રામક્રિષ્ણા એક્ષ્પોર્ટસના સીએચસીઓ ડો.નિરવ મંદિરે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બર ઓફ કોમર્સના એચઆર એન્ડ ટ્રેનિંગ કમિટીના કો-ચેરમેન ચિરાગ દેસાઈએ કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી, સીનિયર કોર્પોરેટ ટ્રેનર અને બિઝનેસ ગ્રોથ સ્ટ્રેટેજીસ્ટ મૃણાલ શુક્લ, ગોલ્ડી સોલારના સંસ્થાપક અને એમડી ઈશ્વર ધોળકીયા, ચેમ્બરના ગ્રુપ ચેરમેન, સભ્યો, એચઆર પ્રોફેશનલ્સ, આંત્રપ્રિન્યોર્સની સાથે મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અંતે ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપુર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ આભારવિધી કરી હતી.
ઉદઘાટન સમારોહ બાદ બપોરે ૧૨:૦૦થી ૧:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન પ્રથમ પેનલ ડિસ્કશન યોજાઈ હતી. જેને સીનિયર કોર્પોરેટ ટ્રેનર અને બિઝનેસ ગ્રોથ સ્ટ્રેટેજીસ્ટ મૃણાલ શુક્લએ મોડરેટ કર્યું હતું. પેનલમાં સચ ઈલેક્ટ્રો મેકના ડિરેક્ટર ડો. સુદીપ જૈસવાલ, ગોલ્ડી સોલારના સંસ્થાપક અને એમડી ઈશ્વર ધોળકીયા, તથા આરએસએમ-લેમન કન્સલટેક ગ્રૃપના ડિરેક્ટર સીએ નિરવ જોગાણીએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
ત્યારબાદ બપોરે ૧:૦૦થી ૨:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન બીજી પેનલ ડિસ્કશન યોજાઈ હતી. જેને દક્ષિણ ગુજરાતના નેશનલ એચઆરડી નેટવર્કના પ્રમુખ હિમાંશુ ભટ્ટએ મોડરેટ કર્યું હતું. પેનલમાં રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝ (હજીરા ગ્રૃપ)ના સીનિયર મેનેજર-એચઆર ડો.રાજીવ શાહ અને લાર્સન એન્ડ ટુર્બ્રોના જોઈન્ટ જીએમ-એચઆર સંતોષ રાય તથા પી.પી.સવાણી યુનિવર્સિટીના પ્રોવેસ્ટ ડો.પરાગ સંઘાણીએ ઉદ્યોગકારોને અને પ્રોફેશનલ્સને માર્ગદર્શન આપ્યું હતું.