HomeBusinessMeeting Of District Development Coordination And Monitoring Committee/સુરત ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ...

Meeting Of District Development Coordination And Monitoring Committee/સુરત ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટીની બેઠક યોજાઈ/INDIA NEWS GUJARAT

Date:

સુરત ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને યોજાઈ

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, બારડોલીના સાંસદ અને દિશા કમિટી પ્રભુભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ

પોસ્ટ ઓફિસો, બેન્કો, જનસેવા કેન્દ્રોમાં આધાર કાર્ડની કામગીરીની સમીક્ષા કરાશે: આધાર કેન્દ્રોની કાર્યક્ષમતા વધારવામાં આવશે

વિકાસકામોને ઝડપભેર અને સમયસર પૂર્ણ કરવા તેમજ યોજનાકીય લાભો મહત્તમ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કરતા સાંસદ પ્રભુભાઈ વસાવા

સરસ મેળાની સખી મંડળની બહેનો દ્વારા સ્વનિર્મિત ચીજવસ્તુઓ ભેટ આપીને મહાનુભાવો-અધિકારીઓનું સ્વાગત કરાયું

સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને બારડોલીના સાંસદ અને દિશા સમિતિના ઉપાધ્યક્ષ પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદએ કેન્દ્ર પુરસ્કૃત વિવિધ જનકલ્યાણની યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
બેઠકમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા અપાય તે દિશામાં કાર્ય કરવું જરૂરી છે. તેમણે લોકોને આધાર કાર્ડ અંગેના કામોમાં હાલાકી ન પડે એ માટે પોસ્ટ ઓફિસો, બેન્કો, જનસેવા કેન્દ્રોમાં આધાર કાર્ડની કામગીરીની સમીક્ષા કરાશે, તેમજ તમામ આધાર કેન્દ્રોની કાર્યક્ષમતા વધારવામાં આવશે એમ જણાવ્યું હતું.
મંત્રીએ ઉમેર્યું કે,જીઓ ટેક્ષટાઈલ કેમિકલના અનેકવિધ ફાયદાઓ છે. રોડ-રસ્તાના મરામતમાં આ કેમિકલ ખૂબ કારગર હોવાથી માર્ગ, મકાન મનપાના અધિકારીઓને જીઓ ટેક્ષટાઈલ કેમિકલના કેન્દ્રીય ટેક્ષટાઈલ મંત્રાલય દ્વારા તાલીમ આપવાની વ્યવસ્થા કરાશે.


મંત્રી અને સાંસદએ સૌ અધિકારીઓને વિકાસકામો અને વિવિધ લોકોપયોગી યોજનાઓ વિષે ચર્ચા કરી તેને ઝડપભેર-સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી. સુરત જિલ્લાના છેવાડાના પ્રજાજનો સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા ગ્રાસ રૂટ લેવલની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, હાલ ૮૦ દિવ્યાંગજનોને પેન્શન આપવામાં આવે છે, ત્યારે ૬૦ ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનો પણ દિવ્યાંગ પેન્શનનો લાભ મેળવી આર્થિક સધિયારો મેળવી શકે એ માટેની શકયતા તપાસવા અને સરકારને આ અંગની દરખાસ્ત કરવાનું સૂચન સંબંધિત અધિકારીઓને કર્યું હતું. તેમણે સુરત જિલ્લાના લાભાર્થી ખેડૂતોને આજ સુધી કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.૩૦.૭૨ કરોડની સહાય ચૂકવાઈ હોવાનું જણાવ્યું હતું.


પ્રભુભાઈએ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી મળી રહે તે અંગે ચર્ચા વિમર્શ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેક્ટર આયુષ ઓકે પણ દિશા બેઠક અન્વયે જુદા જુદા મુદ્દાઓ અંગે સંબંધિત ખાતા/કચેરીઓના અધિકારીઓને સોંપાયેલ કામો તેમજ લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા હતા.
સાંસદએ નવતર પહેલરૂપે સરસ મેળાની સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત એવા ટ્રેમાં પાણી રેડવા સેન્સરના કારણે પ્રજ્વલિત થતા દીવડાઓ, માટીના કોડિયા, ફૂલદાની અને ભગવાન બુદ્ધની મિની પ્રતિમા અર્પણ કરીને મહાનુભાવો-અધિકારીઓનું સ્વાગત કર્યું હતું.


દિશાની બેઠકમાં ઓક્ટોબર-૨૦૨૩ સુધીની કેન્દ્ર પુરસ્કૃત મનરેગા, દીનદયાલ અંત્યોદય યોજના, પી.એમ.આવાસ યોજના અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ/શહેર), અમૃત યોજના, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ યોજના, નગરપાલિકાઓ, લીડ બેંક, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓ, નેશનલ હેલ્થ મિશન, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ, સમગ્ર શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, નેશનલ રૂરલ ડ્રીંકિંગ વોટર કાર્યક્રમ, ડીજીવીસીએલ, નેશનલ હાઈવે, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, બ્રિજ સેલ, મધ્યાહન ભોજન યોજના, આત્મા પ્રોજેક્ટ,શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન પ્રોજેક્ટ, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, ઈ-નામ યોજના, પોસ્ટની સુકન્યા સમૃદ્ધિ યોજના, આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત સાંસદ આદર્શ ગામ જેવી કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાઓના કામોની નાણાંકીય અને ભૌતિક પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.


બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિએ કર્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, મ્યુ.સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યઓ તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories