શહેરના જહાંગીરાબાદ અને પાંડેસરા ખાતે રૂ.૧૩૧.૮૪ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા ‘મુખ્યમંત્રી ગૃહ યોજના’ના ૧૬૧૧ અત્યાધુનિક સુવિધાયુક્ત આવાસોનું લોકાર્પણ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ
જહાંગીરાબાદના ૧૫૫૨ અને પાંડેસરાના ૫૯ નવનિર્મિત આવાસોની ચાવીઓ લાભાર્થીઓને અર્પણ
‘આધુનિક અફોર્ડેબલ હાઉસીંગની યોજના અમલથી દેશભરના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનું પોતીકા ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે’: મંત્રી કનુભાઈ દેસાઈ
’કમ્યુનિટી લિવિંગની સાથે અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં હાઉસીંગ યોજના સફળ નીવડી છે’: કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ
સુરત શહેરના જહાંગીરાબાદ ખાતે નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ રૂ.૧૩૧.૮૪ કરોડમાં નવનિર્મિત ગુજરાત હાઉસિંગ બોર્ડના ‘મુખ્યમંત્રી ગૃહ યોજના’ના નવનિર્મિત આધુનિક સુવિધાયુક્ત ૧૬૧૧ આવાસોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં જહાંગીરાબાદ ખાતેના L.I.Gના ૧૨૪૦, L.I.G – ૨ ના ૩૧૩ તથા પાંડેસરાના L.I.Gના ૫૯ પ્રકારના આવાસોનો સમાવેશ થાય છે. ગૃહપ્રવેશનાં પ્રતીકરૂપે મંત્રીએ લાભાર્થીઓને ઘરની ચાવી સોંપી નવી શરૂઆત માટે શુભાશિષ આપ્યા હતા.
આ પ્રસંગે પોતાનું ઘર મેળવનારા લાભાર્થીઓને અભિનંદન પાઠવતા મંત્રી કનુભાઇ દેસાઇએ મિની ભારત સમાં સુરતમાં વસતા લાખો શહેરીજનોને અપાતી સુવિધાઓ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે, શહેરીકરણના હિતમાં ઝૂંપડપટ્ટી નિવારણ હેતુથી મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ પાકા અને તમામ સુવિધાથી સજ્જ આધુનિક અફોર્ડેબલ હાઉસીંગની યોજનાનો દેશભરમાં અમલ કરાયો છે. જે થકી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોનું પોતીકા ઘરના ઘરનું સ્વપ્ન સાકારિત થઈ રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ૨૪ કલાક વીજળી મળવાથી ડબલ એન્જિનની સરકારે ઉત્તરોઉત્તર ઉદ્યોગો, આરોગ્ય, રોજગારી, શિક્ષણ, પાણી, રહેઠાણ અને અનાજને લગતી અનેકવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે. ભવિષ્યમાં પણ આ જ રીતે કાર્ય કરવાની રાજ્ય સરકારની કટિબદ્ધતા મંત્રીએ દર્શાવી હતી.
પવિત્ર નવરાત્રિ પર્વની સાતમે નવા આવાસો રૂપી ભેટ મેળવતા પરિવારોને મંત્રી દર્શનાબેન જરાદોશે સુખ શાંતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, ઘરના ઘરનું સ્વપ્ન સૌ કોઈની પ્રાથમિકતા હોય છે. સ્ત્રી લાભાર્થીઓના નામે આવાસો ફાળવવાના કારણે મહિલાઓ આત્મસન્માનની લાગણી અનુભવી રહી છે. તેમણે કહ્યું કે, કમ્યુનિટી લિવિંગની સાથે અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં હાઉસીંગ યોજના સફળ નીવડી છે. સમયાંતરે અમલમાં આવતી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જરૂરિયાતમંદ નાગરિકોના જીવનમાં ઉજાશ પાથરી રહી છે. સ્વચ્છ અને સ્માર્ટ સિટી સાથે સુરત હવે બેસ્ટ લિવેબલ સિટીની ઉપમા ધરાવે છે. આ સંદર્ભે મંત્રીએ દરેક નાગરિકને હળીમળીને રહેવા તેમજ દૈનિક ધોરણે સ્વચ્છતાનો અભિગમ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
ધારાસભ્ય પુર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ગરીબ, વંચિત, છેવાડાના માનવીની અપેક્ષાઓને પૂર્ણ કરવા વડાપ્રધાનના ગુડ ગવર્નન્સ (સુશાસન)ના ચીલે ચાલીને રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે. વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત આવાસો બનાવી રહી છે જેથી મધ્યમવર્ગીય પરિવારોને સસ્તાદરે આવાસો મળી રહ્યા છે.
નોંધનીય છે કે, ૧૧ થી ૧૨ લાખની નજીવી કિમતે મળવાપાત્ર આ આવાસો આર.સી.સી. ટાઈપના ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચરલ અને માયવન ડિઝાઇન આધારિત તૈયાર થયેલા છે. સાથે જ તેમાં ડ્રેનેજ નેટવર્ક, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, કંપાઉન્ડ વોલ અને આકર્ષક એન્ટ્રન્સ ગેટ, વોચમેન રૂમ, બાહ્ય તેમજ આંતરિક પાણી પુરવઠા કનેક્શન, સોલાર સિસ્ટમ, વરસાદી પાણી સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા, કેમ્પસ ગાર્ડનિંગ, લેન્ડ સ્ક્રેપીંગ,ડિજિટલ જનરેટર તેમજ કેમ્પસમાં સોલાર સંચાલિત સ્ટ્રીટ જેવી બાહ્ય સુવિધાઓથી સજ્જ છે.
આ અવસરે સાંસદ સી. આર. પાટીલ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યો સંદીપભાઈ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી, પૂર્વ ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, નાયબ કમિશનર કુલદીપ ભાઈ, હાઉસિંગ કમિશનર એસ.પી.વસાવા, કોર્પોરેટર ગૌરી બેન સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.