ચેમ્બર અને બાગાયત વિભાગ સુરત દ્વારા પાલ – ભાઠા સ્થિત ગ્રીન સિટીના રહીશોને ‘કિચન ગાર્ડન’ની તાલીમ અપાઇ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા નાયબ બાગાયત નિયામક સુરતની કચેરીના સંયુક્ત ઉપક્રમે બુધવાર, તા. ૧૧ ઓકટોબર, ર૦ર૩ના રોજ બપોરે ૩:૦૦ કલાકે પાલ – ભાઠા ખાતે આવેલા ગ્રીન સિટી (ક્લબ હાઉસ) ખાતે ‘કિચન ગાર્ડન’ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રીન સિટી એપાર્ટમેન્ટની ગૃહિણીઓ તથા રહીશોને કિચન ગાર્ડનની તાલીમ આપવામાં આવી હતી.
નાયબ બાગાયત નિયામક ડી.કે. પડાલિયાએ જણાવ્યું હતું કે, બજારમાં મળતાં શાકભાજી અને ફળોમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી શરીરને યોગ્ય પ્રમાણમાં વિટામીન મળતા નથી. આવી સ્થિતિમાં શહેરીજનો પોતાનો થોડો સમય ફાળવી ઘરના આંગણે, બાલ્કનીમાં, છત ઉપર પ્રાકૃતિક ખેતી કરીને યોગ્ય આહારથી વિટામીન, ફાઈબર મેળવી પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ભક્તિ પંચાલે જણાવ્યું હતું કે, ગાર્ડનીંગ જુદા–જુદા પ્રકારે કરી શકાય છે. વર્ટીકલ ગાર્ડનીંગ, મેરીગોલ્ડ, રો ગાર્ડનીંગ, હેન્ગિંગ, કન્ટેનર, હાઈડ્રોપોનિકસથી ગાર્ડનીંગ કરવામાં આવે છે. શહેરીજનો પોતાની આજુબાજુની ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં ફળ અને શાકભાજીની ખેતી કરી શકે છે. અગાસી પર કુંડા, ગ્રો બેગ, લાકડાના બોકસ, કાયમી કુંડીઓ બનાવીને તેમાં શાકભાજી ઉગાડી શકે છે. તેમણે મહિલાઓ સાથે કિચન ગાર્ડન અંગે સંવાદ કરીને ગૃહિણીઓના સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના ગૃપ ચેરમેનો ધર્મેશ વાણિયાવાલા અને કમલેશ ગજેરા તથા ગ્રીન સિટી એપાર્ટમેન્ટના ૭૦થી વધુ ગૃહિણીઓ તેમજ રહીશો કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરની એગ્રીકલ્ચર કમિટીના ચેરમેન કે.બી. પિપલીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
બાગાયત અધિકારી અંકુર પટેલે તાલીમ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને સર્વેનો આભાર માન્યો હતો. ગ્રીન સિટી પરિવાર તરફથી સ્વપ્ના ભટ્ટનો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ તાલીમાર્થીઓને બિયારણ કીટ, કુંડા, ફુલોની ગાંઠ જેવી ગાર્ડન માટે ઉપયોગી સામગ્રી આપી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.