ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ઇન્ટરેકટીવ સેશન યોજાયું
ટેકસાસની ફલોર એન્જીનિયરીંગ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ રાજ દેસાઇએ અમેરિકામાં એન્જીનિયરીંગ ક્ષેત્રે રહેલી વ્યાપાર – એક્ષ્પોર્ટ માટેની તકો વિષે માર્ગદર્શન આપ્યું
અમારી કંપની હાલમાં પણ સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી ખરીદી કરે છે અને હજુપણ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત ખરીદી કરીશું, તમે અમને આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તાવાળી પ્રોડકટ અને સેવાઓ આપો : રાજ દેસાઇ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત શુક્રવાર, તા. ૮ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ઇન્ટરેકટીવ સેશન યોજાયું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે યુએસએ સ્થિત ટેકસાસની ફલોર એન્જીનિયરીંગ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ રાજ દેસાઇએ એન્જીનિયરીંગ ક્ષેત્રે અમેરિકામાં રહેલી વ્યાપારની તેમજ એક્ષ્પોર્ટ માટેની તકો વિષે સુરતના ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એના માટે ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, આથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિવિધ પ્રયાસો કરવામાં આવી રહયા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મિશન ૮૪ અંતર્ગત યોજાયેલા આ ઇન્ટરેકટીવ સેશનમાં સુરતના ઉદ્યોગકારોને અમેરિકામાં કયા – કયા ક્ષેત્રે કઇ – કઇ પ્રોડકટની માંગ વધુ છે તે અંગે માહિતી મળશે અને તેને આધારે સુરતના ઉદ્યોગકારો વિવિધ પ્રોડકટ અમેરિકામાં એક્ષ્પોર્ટ કરી શકશે.
ટેકસાસની ફલોર એન્જીનિયરીંગ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ રાજ દેસાઇએ ઉદ્યોગકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, એન્જીનિયરીંગ ક્ષેત્રે વિવિધ પ્રોડકટની અમેરિકામાં વધારે માંગ છે. ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ, માઇનીંગમાં મળતી વસ્તુઓ, માઇક્રો ચિપ, ડિફેન્સ સંબંધિત પ્રોકડટ, ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત પ્રોડકટ, સ્વીચ ગિયર્સ, ટ્રાન્સફોર્મર્સ અને ફેબ્રિકેશન મટિરિયલ્સની ઘણી માંગ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમેરિકામાં કવોલિટી પ્રોડકટ અને સમયસર ડિલીવરીને જ પ્રાધાન્ય આપવામાં આવે છે, આથી તેમણે અમેરિકામાં એક્ષ્પોર્ટ માટે સુરતના ઉદ્યોગકારો પ્રત્યે વિશ્વાસ વ્યકત કર્યો હતો. વધુમાં તેમણે કહયું હતું કે, અમેરિકામાં કુશળ એન્જીનિયર્સની ઘણી માંગ છે.
રાજ દેસાઇએ જણાવ્યું હતું કે, તેમની કંપની હાલમાં પણ સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી ખરીદી કરે છે અને હજુપણ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત ખરીદી કરીશું. સુરતના ઉદ્યોગકારોને તેમણે કહયું કે, તમે અમને આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તાવાળી પ્રોડકટ અને સેવાઓ આપો. ગુજરાતમાંથી ખરીદી કરવા માટે અમે સુરતમાં જ અમારા એક પ્રતિનિધિ મુકેલા છે. તેમણે ચેમ્બર ઓફ કોમર્સ તથા મિશન ૮૪ને સહયોગ આપવા તેમની કંપનીનો લોગો સપોર્ટ માટે પણ સંમતિ આપી હતી, જેનાથી ચેમ્બરની મિશન ૮૪ ટીમના ઉત્સાહમાં વધારો થયો છે.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર અને ઉદ્યોગકારો સેશનમાં ઉપસ્થિત રહયા હતા. SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટના કો–ઓર્ડિનેટર સંજય પંજાબીએ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. મિશન ૮૪ના પ્રોજેકટ હેડ પરેશ ભટ્ટે સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. મુખ્ય વકતા રાજ દેસાઇએ ઉદ્યોગકારોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.