ચેમ્બરના પ્રતિનિધિ મંડળે L & T કંપનીની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી
ચેમ્બરના પ્રતિનિધિ મંડળે L & Tના વિવિધ પ્લાન્ટમાં બનતા અણુ રિએકટરો તથા અન્ય હેવી એન્જીનિયરીંગના વિવિધ સાધનો તેમજ ડિફેન્સના સાધનો વિષે વિસ્તૃત જાણકારી મેળવી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મરના નેજા હેઠળ ગૃપ ચેરમેનો નવિન પટેલ અને કમલેશ ગજેરા તથા ઇન્ડસ્ટ્રીયલ ટુર કમિટીના ચેરમેન અરવિંદ બાબાવાલા સહિત ર૦ સભ્યોના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. ર૩ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રોની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી હતી.
લાર્સન એન્ડ ટુબ્રોના વાઇસ પ્રેસિડેન્ટ સંજય દેસાઇએ ચેમ્બરના પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરી એ.એમ. નાયક હેવી એન્જીનિયરીંગ કોમ્પ્લેક્ષના સમગ્ર પ્લાન્ટની વિઝીટ કરાવી હતી. આ પ્લાન્ટમાં બનતા અણુ રિએકટરો તથા અન્ય હેવી એન્જીનિયરીંગના વિવિધ સાધનો વિષે માહિતી આપી આ સાધનો કેવી રીતે બને છે, તેની જાણકારી આપી હતી. ત્યારબાદ નેચરલ ગેસ તથા હાઇડ્રોજન ગેસના મિશ્રણથી બનતી ગ્રીન એનર્જી દ્વારા બનતા ઇલેકટ્રીક પાવરના વિશ્વના સૌપ્રથમ પ્લાન્ટની વિઝીટ કરાવી હતી.
ચેમ્બરના પ્રતિનિધિ મંડળે L & Tના સૌથી મહત્વના ડિફેન્સ આર્મર્ડ સિસ્ટમ કોમ્પ્લેક્ષની પણ વિઝીટ કરી હતી. જ્યાં L & T ડિફેન્સના વાઇસ પ્રેસિડેન્ટ સંજીવ મુલગાંવકરે પ્રેઝન્ટેશન આપી ડિફેન્સના વિવિધ સાધનોની જાણકારી આપી સાધનો બતાવ્યા હતા. જેમાં ૧૦૦ કિલોમીટરની ઝડપે દોડતી ટેન્ક તથા ૪૦ કિલોમીટર સુધી પ્રહાર કરી શકે તેવી તોપ બતાવી હતી.
ચેમ્બરના માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મરે સંજીવ મુલગાંવકર અને સંજય દેસાઇનું અભિવાદન કરી ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરાવવા બદલ આભાર માન્યો હતો. સાથે જ L & Tના ઓફિશિયલ્સને સુરતના એન્જીનિયરીંગ ક્ષેત્રની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગ સાહસિકો L & Tને કઈ કઇ વસ્તુઓ સપ્લાય કરી શકે છે, તેની જાણકારી આપવા તેમજ ચર્ચા કરવા ચેમ્બર ઓફ કોમર્સ ખાતે પધારવા આમંત્રણ આપ્યું હતું.