કડોદરા સ્થિત ગાર્ડન સિલ્ક મિલના FDY પ્લાન્ટનું ઉદઘાટન કરતા કેન્દ્રીય ટેક્સટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ
કેન્દ્રીય મંત્રીએ ફેકટરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિની સુરક્ષા સાથેના વિકાસનો સંદેશ આપ્યો
કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે કડોદરા સ્થિત ગાર્ડન સિલ્ક મિલના રૂ.૧૨૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ફુલ્લી ડ્રોન યાર્ન(FDY) પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજી સાથે તૈયાર કરાયેલો પોલિસ્ટર યાર્ન મેન્યુફેકચરિંગ માટેનો FDY પ્લાન્ટ શહેરના ટેક્સટાઈલ ઉદ્યોગને વેગ આપી રોજગારીની નવી તકોનું નિર્માણ કરશે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિવિધ ક્ષેત્રો સહિત ટેક્સટાઇલ ક્ષેત્રના વિકાસ માટે સરકાર દ્વારા થઈ રહેલા અવિરત પ્રયાસોની છણાવટ કરતા તેમણે કેન્દ્ર સરકારની મેન મેડ ફાઈબરની પ્રોત્સાહક યોજના, પીએમ-મિત્ર પાર્કનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ તેની સફળતા માટે જરૂરી લોજિસ્ટિક પરિવહનની સુવિધાઓની ઉપ્લબ્ધતાની ખાત્રી આપી હતી.
તેમણે ભારતીય કાપડ ઉદ્યોગને વૈશ્વિક ફલક પર પ્રમોટ કરવા નવા આઈડિયા અને ટેકનોલોજી પર વધુમાં વધુ ધ્યાન કેન્દ્રીકરણ કરવા ભાર મૂક્યો હતો. મંત્રીએ કાપડ ઉદ્યોગમાં નવી ટેકનોલોજી, પ્રોસેસ ક્ષમતામાં વધારો, ટ્રેનિંગ અને રિસર્ચ વધારવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી સરકારે ટેકનિકલ ટેકસટાઇલ માટે ફાળવેલા રૂ.૧૪૦૦ કરોડના ફંડની જાણકારી આપી હતી. મંત્રીએ ફેકટરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની સુરક્ષાનો સંદેશો આપ્યો હતો તેમજ પ્રકૃતિની સુરક્ષા સાથે સુસંગત વિકાસને પ્રોત્સાહન આપ્યું હતું.
આ પ્રસંગે ચેટરજી ગ્રૂપના ચેરમેન ડૉ.પુર્ણેંદુ ચેટરજી, MCPI લિ.ના ડાયરેક્ટર અને CEO ડેબી પાત્રા, ઓરેલિકોન સંસ્થાના જ્યોર્જ સોસબર્ગ, સેમોરાઈ ગ્રૂપના CEO જ્યોર્જિઓ સેમોરાઈ સહિત ટેક્સટાઈલ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.