ઉમરપાડા તાલુકાના કેવડી ગામના અનાજ કરિયાણાના વેપારી પાસેથી વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની ૧,૨૮,૭૯૦/- કિંમતની ૨૩૪ બેગો ઝડપાઈ
ગેરકાયદેસર ખાતરના જથ્થાનું ઊંચા ભાવે વેચાણ કરવા બદલ વેપારી સામે કાયદાકીય કાર્યવાહી
ઉમરપાડા તાલુકાના કેવડી ગામના અનાજ કરિયાણાના વેપારી પાસેથી વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની ૨૩૪ બેગનો જથ્થો ઝડપાતા ખેતી અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ખાતરના જથ્થાનું ઊંચા ભાવે વેચાણ કરવા બદલ વેપારી સામે ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ખેતી અધિકારી (કામરેજ) આર.ટી.બલદાણીયા તથા ખેતી અધિકારી(ઓલપાડ) વી.આર.કોરાટ તથા ખેતી અધિકારી(બારડોલી) એલ.એમ.ઈટાળીયાની સંયુક્ત સ્કોવડ ટીમ દ્વારા ગત તા:૦૧/૦૭/૨૦૨૩ના રોજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામે રહેતા અનાજ કરિયાણાના વેપારી ધર્મેશભાઈ જગદીશચંદ્ર મોદી તથા તેના સબંધી જીતેન્દ્રભાઈ હિરાલાલભાઈ મોદીના ઘર નં. ૧૩૯ના ગોડાઉનમાં તથા ઘર નં.૩૪૨ અને ૨૪ ના ગોડાઉનમાં તપાસ કરતા વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની પ્રત્યેકમાં ૪૫ થી ૫૦ કિલોગ્રામ વજનવાળી કુલ ૨૩૪ બેગ જોવા મળી હતી. જેની કુલ કિંમત ૧,૨૮,૭૯૦/- થાય છે. બેગોમાં શંકાસ્પદ યુરિયાનો જથ્થો હોવાનું પણ જણાતા તેમજ આ જથ્થા સંદર્ભે સંતોષકારક ખુલાસો ન મળતા ઉમરપાડા ખેતી અધિકારી રાકેશકુમાર લક્ષ્મણભાઈ વસાવાએ તા.૨૯/૦૮/૨૦૨૩ ના રોજ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં કેવડી ગામના ધર્મેશ જગદીશચંદ્ર મોદી અને તેમના પત્ની જશોદાબેન, પુષ્પાબેન જગદીશચંદ્ર મોદી, જીતેન્દ્ર હિરાલાલ મોદી સહિત આ ખાતરનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા વ્યક્તિઓ/સંસ્થા સામે સરકારના સબસિડીયુકત ખેત વપરાશનું નીમ કોટેડ યુરિયાનો ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર સંગ્રહ અને કાળા બજાર કરી ઊંચા ભાવે વેચાણ કરવા બદલ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેતી વિભાગ દ્વારા આ જથ્થા સંદર્ભે વિભાગીય પ્રાથમિક તપાસ શરૂ હોવાથી જે-તે સમયે ફરિયાદ ન નોંધવતા તા.૨૯મીએ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.