૧૦થી વધુ દેશોના ટ્રેડ કાઉન્સીલર – એમ્બેસેડરોની દ્વિપક્ષીય વ્યાપારીક સંબંધો મજબુત કરવા મિશન ૮૪ને સહયોગ આપવાની ખાતરી
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી ખાતે ૧૦થી વધુ દેશોના ટ્રેડ કાઉન્સીલર અને એમ્બેસેડરો સાથે બેઠકો કરી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાની આગેવાનીમાં SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત મિશન ૮૪ પ્રોજેકટના હેડ પરેશ ભટ્ટ તથા કમિટી સભ્ય કોમલ કુમાર શાહ સહિતના પ્રતિનિધિ મંડળે તા. ૩ અને ૪ ઓકટોબર, ર૦ર૩ના રોજ નવી દિલ્હી ખાતે વિવિધ દેશોના કોન્સુલ જનરલ, એમ્બેસેડર તથા ટ્રેડ કાઉન્સીલરો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ એશિયા આફ્રિકા રૂરલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (AARDO)ની ભારતની ઓફિસમાં કાર્યરત સેક્રેટરી જનરલ મનોજ નરદોસિંઘ તથા ઇન્ડિયા ચેપ્ટર હેડ સંજીબ બહેરાની સાથે મુલાકાત કરી તેમની સમક્ષ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો. મિશન ૮૪ પ્રોજેકટથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા અને પ્રોજેકટ વિશે તેઓએ પણ ઝીણવટભરી માહિતી મેળવી હતી. એશિયા આફ્રિકા રૂરલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ૩૦થી વધુ આફ્રિકન તથા એશિયન દેશો સાથે સંકળાયેલી સંસ્થા છે. આ સંસ્થાના બંને પદાધિકારીઓએ તેમના કાર્યક્ષેત્રમાં આવતા દરેક દેશને ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ પ્રોજેકટ સાથે જોડવા અનુરોધ કરીશું તેમ ચેમ્બર પ્રમુખને જણાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે મોરેશિયસના હાઇ કમિશ્નર હેમનદોયલ દિલુમ સીએસકે સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ગિનીના ફર્સ્ટ ટ્રેડ કાઉન્સીલર અને ચાર્જ ધ અફેર્સ ડો. અમિનાતા થાયમ સાથે, હંગેરીના ઇકોનોમિક એન્ડ ટ્રેડ અફેર્સના ફર્સ્ટ ટ્રેડ કાઉન્સીલર ડો. ફેરેન તોથ અને ઇકોનોમિક એન્ડ કોમર્શિયલ ટ્રેડ કાઉન્સીલર લેવેન્ટે કારડોસ, મ્યાનમારના એમ્બેસેડર મોઇ કયો અંગ અને ઇકોનોમિક એટેચી મ્યો મિન્ટ મંગ, ઘાનાના ટ્રેડ કાઉન્સીલર મુનીરૂ કાદરી, આઇવરી કોસ્ટના કોમર્શિયલ ટ્રેડ કાઉન્સીલર એન્ગે ગેબ્રીલ અકાફુ, શ્રીલંકાના મિનિસ્ટર ટ્રેડ કાઉન્સીલર કોમર્શિયલ એલ.જી. દિશાનાયકે, માલદિવ્જના ફર્સ્ટ કોમર્શિયલ ટ્રેડ કાઉન્સીલર મોહંમદ નાઝીલ, બુરકીનાફાસો દેશના એમ્બેસેડર ડો. ડિઝાયર બોની ફેસ સોમ, વિયેતનામના એમ્બેસેડર ગુએન થા હાય અને એટેચી ગુએન લુંગ ડક સાથે મુલાકાત કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળને ઉપરોકત તમામ દેશોના એમ્બેસેડર અને ટ્રેડ કાઉન્સીલરોએ મિશન ૮૪ પ્રોજેકટને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. સાથે જ બંને દેશોના ઉદ્યોગકારો વચ્ચે વ્યાપારિક સંબંધો પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે મિટીંગો કરવા માટે સહમતિ દર્શાવી હતી.
આ ઉપરાંત વૈશ્વિક ધોરણે સુરતનો વિયેતનામ સાથે સંબંધ મજબુત થાય એ દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. આર્થિક નીતિઓને ધ્યાને લઇ ગુજરાત સાથે વ્યાપારિક જોડાણ કરવા માટે એ દેશોના ચેમ્બર ઓફ કોમર્સ અને ઉદ્યોગકારો માટે પ્લેટફોર્મ ઉભુ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.