GCCIના હોદ્દેદારો અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક એસોસીએશનો વચ્ચે ઇન્ટરેકટીવ બિઝનેસ ગ્રોથ મિટીંગ મળી
SGCCI દ્વારા આયોજિત મિટીંગમાં વિવિધ ઔદ્યોગિક એસોસીએશનોના પ્રતિનિધિઓએ ઉદ્યોગોને નડતરરૂપ પ્રશ્નો મામલે રજૂઆતો કરી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૭ ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સંહતિ, સરસાણા ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી– અમદાવાદના સિનિયર ઉપ પ્રમુખ સંદિપ એન્જીનિયર, માનદ્ મંત્રી અપૂર્વ શાહ અને માનદ્ મંત્રી રિજીયોનલ પ્રશાંત પટેલ તથા દક્ષિણ ગુજરાતના વિવિધ ઔદ્યોગિક એસોસીએશનોના પ્રતિનિધિઓ સાથે ઇન્ટરેકટીવ બિઝનેસ ગ્રોથ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઔદ્યોગિક એસોસીએશનોએ તેઓને નડતરરૂપ વિવિધ પડતર પ્રશ્નો મામલે રજૂઆતો કરી હતી.
ખાસ કરીને હાલમાં જ ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે અમલી બનેલા કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારોને વાકેફ કરવામાં આવ્યા હતા. વોટરજેટ વિવિંગ ઉદ્યોગને પર્યાવરણ સંબંધિત પ્રશ્નો મામલે પણ રજૂઆત કરાઇ હતી. આ ઉપરાંત ઉદ્યોગકારોએ ટેક્ષ્ટાઇલની ટફ સ્કીમ અંગે પણ રજૂઆત કરી હતી. સુરતમાં ઇન્ટરનેશનલ એર કનેકટીવિટી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશન દ્વારા તેઓને નડી રહેલા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ની લાયસન્સ પ્રક્રિયા અંગે પણ ઉદ્યોગકારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વિવિધ કમિટીઓમાં સ્થાન આપવા માટે અનુરોધ કર્યો હતો.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટને રજૂ કર્યો હતો અને ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત બનાવવા હેતુ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી એક્ષ્પોર્ટ વધારવા આ પ્રોજેકટના મહત્વ વિષે વિસ્તૃત ચર્ચા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન ૮૪ અંતર્ગત સુરત ખાતે આગામી તા. ર૧ ઓકટોબર ર૦ર૩ના રોજ ભારતના કેન્દ્રિય મંત્રીની હાજરીમાં ‘ચેમ્બર ટુ ચેમ્બર કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આખા ભારતની તમામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ડ્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે. મિશન ૮૪ અંતર્ગત દેશની બધી જ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓ એક પ્લેટફોર્મ પર આવશે તથા એકબીજાને પરસ્પર વ્યાવસાયિક વિચારોનું આદાન – પ્રદાન કરશે.
GCCI અને SGCCI બંને, એકબીજાને પરસ્પર વ્યાવસાયિક વિચારોના આદાન – પ્રદાન માટે સહમત થયા હતા. આ ઉપરાંત GCCIની યુથ વીંગ સુરત આવશે અને SGCCIની યુથ વીંગ સાથે મિટીંગ કરી ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકોને બિઝનેસમાં તેમજ એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં માર્ગદર્શન મળી રહે તે હેતુ બંને ચેમ્બર ઓફ કોમર્સ એકસાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓ કરશે તે માટે પણ સહમત થયા હતા.
ઉપરોકત ઇન્ટરેકટીવ બિઝનેસ ગ્રોથ મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી, ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, ગૃપ ચેરમેન ભાવેશ ટેલર તથા ચેમ્બરની એસોસીએશન લાયઝન કમિટીના એડવાઇઝર દેવકિશન મંઘાણી અને વિવિધ ઔદ્યોગિક એસોસીએશનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.