આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના રેગામા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ગ્રામજનો
વિકસિત ભારત યાત્રા યોજનાકીય લાભોથી વંચિત રહેલા નાગરિકોને લાભાન્વિત કરવાનું માધ્યમ બની છે: આદિજાતિ મંત્રીકુંવરજીભાઈ હળપતિ
આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ દરેક જન જન સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના રેગામા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આઝાદીના લડવૈયા ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ છોટા નાગપુર ગામે નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણાં દ્વાર સુધી પહોચી છે એમ રેગામા ગામે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું. આ સફરમાં દરેક ગામમાં મિશન મોડમાં જઈ અને પ્રત્યેક ગરીબ અને વંચિત વ્યક્તિને સરકારની દરેક જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત યાત્રા યોજનાકીય લાભોથી વંચિત રહેલા નાગરિકોને લાભાન્વિત કરવાનું માધ્યમ બની છે. આયુષ્માન કાર્ડ થકી ૧૦ લાખ સુધીની કેશલેસ આરોગ્ય સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ૨૨ જેટલી યોજનાઓનો લાભ આપી લોકોના જીવન ધોરણને સુધારવામાં આ સંકલ્પ યાત્રા મહત્વની બની રહશે.
આ પ્રસંગે મંત્રી, મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, કિસાન સન્માન નિધિ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પં.ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, તા.પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી, મઢી સુગર ડિરેક્ટર દિનેશભાઇ પટેલ, જેનીશભાઈ, તલાટી-કમ-મંત્રી, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કર, તેડાગર, સખી મંડળની બેહેનો અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.