HomeAutomobilesDiscover The Gateway To Digital Business Growth On Whatsapp/SGCCI અને CAITના સંયુકત...

Discover The Gateway To Digital Business Growth On Whatsapp/SGCCI અને CAITના સંયુકત ઉપક્રમે સેશન યોજાયું/India News Gujarat

Date:

SGCCI અને CAITના સંયુકત ઉપક્રમે Discover the Gateway to Digital Business Growth on Whatsapp વિષે સેશન યોજાયું

બિઝનેસ કરવા માટે ઇન્ટરનેટ, ટેકનોલોજી, કોમ્યુનિકેશન, લોજિસ્ટીક અને નેટવર્કીંગ જરૂરી છે : CAITના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગુજરાત ચેપ્ટરના સંયુકત ઉપક્રમે રવિવાર, તા. ૩ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે Discover the Gateway to Digital Business Growth on Whatsapp વિષય ઉપર સેશન યોજાયું હતું. જેમાં CAITના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે વેપારીઓને ધંધા – વ્યવસાયના વિકાસ માટે ડિજીટલ એક્ષ્પાન્શન વિષે માર્ગદર્શન આપી ટેકનોલોજીને અપનાવવા હાંકલ કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં બધું જ પરિવર્તનશીલ છે. ભારત પણ બદલાઇ રહયું છે. સમગ્ર વિશ્વમાં ટેકનોલોજીનો પાદુર્ભાવ થઇ રહયો છે. ટેકનોલોજીથી ધંધા – વ્યવસાયને વિકસાવી શકાય છે ત્યારે વેપારીઓએ બિઝનેસ વોટ્‌સએપના ઉપયોગથી ટ્રેડનું ડેવલપમેન્ટ કરવાનું છે. ટેકનોલોજીની મદદથી બિઝનેસમાં એક વર્ષમાં ડબલ નહીં થાય તો કઇ નહીં પણ પ૦ ટકાનો ગ્રોથ લાવવા માટે સંકલ્પ લઇને આગળ વધવાનું છે. ભારતને સામર્થ્યવાન બનાવવા દરેક ઉદ્યોગકાર અને વ્યકિતને સંકલ્પ લેવો જોઇએ. તેમણે ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ પ્રોજેકટમાં જોડાવવા કેટના હોદ્દેદારોને અનુરોધ કર્યો હતો.

CAITના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી પહેલી મોબાઇલ કંપની, કાર કંપની તેમજ ઘડીયાળ કંપની સમયની સાથે પરિવર્તન લાવ્યા નહિ એટલે તેઓ માર્કેટમાંથી ફેંકાઇ ગયા. જેથી વેપારીઓએ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ પડશે નહીં તો તેઓ ધીમે ધીમે વ્યાપારમાંથી બહાર થઇ જશે. વેપારીઓને બિઝનેસમાં ટકી રહેવા માટે અપગ્રેડ થઇને સમયની સાથે ચાલવું પડશે. વેપારીઓએ, ગ્રાહકને સુવિધા આપવી પડશે. સરકારની નીતિઓને અપનાવીને બિઝનેસ કરવો પડશે.

તેમણે જણાવ્યું હતું કે, બિઝનેસ કરવા માટે ઇન્ટરનેટ, ટેકનોલોજી, કોમ્યુનિકેશન, લોજિસ્ટીક અને નેટવર્કીંગ જરૂરી છે. તેમણે વોટ્‌સએપના ઉપયોગથી બિઝનેસ ડેવલપ કરી તેને વધારવા અને નેટવર્કીંગ મજબૂત કરવા વેપારીઓને સૂચન પણ કર્યું હતું. સેશનમાં વેપારીઓને પ્રેઝન્ટેશન થકી બિઝનેસ વોટ્‌સએપનો ઉપયોગ ટ્રેડને વધારવા માટે કેવી રીતે કરી શકાય છે તેના વિષે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ભારત સરકારે ઇ–કોમર્સ પોલિસી તથા રૂલ્સ તૈયાર કરી દીધા છે. જન વિશ્વાસ બીલ સંસદમાં પાસ થયું છે અને એમાં ૧૯ મંત્રાલયના ૪ર જેટલા કાયદામાં વેપારીઓ માટે જેલવાસની જે જોગવાઇ હતી તેને કાઢી નાંખવામાં આવી છે. મિડિએશન બીલ વિષે તેમણે કહયું હતું કે, બે વેપારીઓએ તેઓની તકરારને મિડિએટર પાસે લઇ જવી પડશે અને ત્યાં સમાધાન નહીં થાય ત્યારબાદ જ કાયદાકીય લડત ચલાવી શકાશે.

લઘુ ઉદ્યોગકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, જો તેઓ ઉદ્યમ આધાર પર રજિસ્ટર્ડ હોય તો તેઓને બેંક લોનમાં ર ટકા ઓછો વ્યાજદર લાગે છે, આથી તેમણે એમએસએમઇ ઉદ્યોગકારોને ઉદ્યમ આધાર પર રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત જો વેપારી તેમના બીલ પર પોતાનો ઉદ્યમ આધાર નંબર લખે છે તો ખરીદદારને ૪પ દિવસમાં તેને પેમેન્ટ કરવું પડશે. ખરીદદાર ૪પ દિવસમાં પેમેન્ટ નહીં કરે તો તેને ચૂકવવાની થતી રકમ એના ઇન્કમ ટેક્ષમાં જોડાઇ જશે અને તેને સામેવાળાને ત્રણ ટાઇમ વ્યાજ ચૂકવવું પડશે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ગૃપ ચેરમેન નિલેશ ગજેરા તથા કેટના મુકેશ તુલી અને રણજીત સિંઘ ખારી તેમજ વેપારીઓ સેશનમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન દીપક કુમાર શેઠવાલાએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું અને વકતાનો પરિચય પણ આપ્યો હતો. ચેમ્બરની રિટેલ ટ્રેડ કમિટીના ચેરમેન તેમજ કેટના ગુજરાત ચેપ્ટરના ચેરમેન પ્રમોદ ભગતે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. વેપારીઓના વિવિધ સવાલોના વકતાએ સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

SHARE

Related stories

Latest stories