ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને નવી સિવિલ ખાતે શિક્ષકોને સીપીઆર તાલીમ અપાઈ
◆ રાજ્યમાં છેલ્લા ચાર મહિનામાં પોલીસ જવાનોએ સીપીઆરથી ૩૮ લોકોને જીવનદાન આપ્યું:
◆ ચાર મિનિટની સીપીઆર તાલીમ હૃદયના હુમલામાં કોઈને નવજીવન બક્ષશે: :- ગૃહરાજ્યમંત્રી
સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાની શાળા-કોલેજના ૨૪૦૦થી વધુ શિક્ષકોને સીપીઆરની તાલીમ
નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ હોલ ખાતે શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લાના શાળા – કોલેજના ૨૪૦૦થી વધુ શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શિક્ષણની સાથે તાલીમ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ- કર્મચારીઓને સીપીઆરની તાલીમ આપવામાં આવે તો ગુજરાતના દરેક નાગરિક ડોક્ટરની ભૂમિકા અદા કરી શકે છે. હૃદયરોગના હુમલાના ઈમરજન્સીના સમયમાં ગુજરાતમાં સીપીઆરની તાલીમ લઈ પોલીસ, શિક્ષકો, બસ ડ્રાઇવર, ડોક્ટરની ભૂમિકા અદા કરે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, પોલીસજવાનોને પણ એક દિવસની સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી. પરિણામે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં સીપીઆર તાલીમ મેળવનાર પોલીસ જવાનોએ છેલ્લા ચાર મહિનામાં ૩૮ લોકોને જીવનદાન બક્ષ્યું છે. સરકારી અને ખાનગી સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી રહી છે, ત્યારે નૈતિક જવાબદારી સમજીને મોટી સંખ્યામાં શિક્ષકો તાલીમમાં જોડાયા છે, જે સરાહનીય છે.
વધુમાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતું કે, ચાર મિનિટની સીપીઆર તાલીમ હૃદયના હુમલામાં કોઈને જીવન બક્ષવામાં મદદરૂપ થશે. શિક્ષકો આ સીપીઆર તાલીમને શિક્ષણ સાથે રાજ્યના પ્રત્યેક વ્યક્તિઓ સુધી પહોંચાડશે તો આવનાર સમયમાં હાર્ટ અટેક અને શ્વાસની તકલીફ અનુભવતા પીડીત વ્યકિતઓના જીવ બચાવવામાં પ્રાથમિક સારવાર મદદરૂપ નિવડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે બે લાખથી વધુ શિક્ષકોએ સીપીઆરની તાલીમ મેળવી છે. પોલીસ વિભાગ દ્વારા પોલીસ જવાનો સહિત ટ્રાફિક બ્રિગેડ જવાનોએ સીપીઆરની તાલીમ મેળવીને ઘણા લોકોને જીવ બચાવ્યા છે તેવા ઘણા ઉદ્દાહરણ આપણી સમક્ષ છે. આ સેવાકીય યજ્ઞમાં શિક્ષકો જોડાયા છે. મેડિકલ સાયન્સની ચોક્કસ ટેક્નિક દ્વારા સીપીઆરની તાલીમ લેવી જોઈએ. ઈમરજન્સીના સમયમાં હૃદય રોગના હુમલામાં આમ નાગરિક સૂઝબૂઝ વાપરી સીપીઆર આપી ડોક્ટરની ભૂમિકા અદા કરી શકશે. માત્ર ચારથી પાંચ મિનિટની આ સીપીઆર તાલીમ દરેક નાગરિકને હસ્તગત હોવી જોઈએ તેવો અનુરોધ શિક્ષણમંત્રી કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, ડોક્ટર સેલના પ્રમુખ ડો. વિરેન્દ્ર મહિડા, ઉપપ્રમુખ ડોક્ટર સેલના ડો.ચેતનભાઈ પટેલ, ધનેશભાઈ શાહ, તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર, RMO ડો. કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, ડોક્ટર સેલના કેતનભાઈ પટેલ, ઉપાધ્યક્ષ ડો.પ્રિયંકા સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી દિપકભાઈ દરજી, એજ્યુકેશન ઈન્સ્પેક્ટર, બીઆરસી – સીઆરસી, એનેસ્થેસિયા ટીમ, સિવિલ હોસ્પિટલની ટીમ સહિત સુરત જિલ્લાના વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો તાલીમમાં ઉપસ્થિત રહ્યા હતા.