ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિવારે ‘કેનેડિયન ઇમિગ્રેશન’વિષે જાગૃતિ કાર્યક્રમ યોજાશે
કેનેડા જવા ઇચ્છુક યુવાઓ તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી ચેમ્બર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૬ મે, ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘કેનેડિયન ઇમિગ્રેશન’વિષય ઉપર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં રજિસ્ટર્ડ કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ તેમજ સાઇનરાઇટ વીઝા એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્સી ઇન્કના મેનેજિંગ ડાયરેકટર ધર્મેન્દ્ર સોલંકી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
કેનેડામાં કાયમી નિવાસ માટે, અભ્યાસ માટે તેમજ નોકરી માટે ઘણા યુવાનો અને યુવતિઓ કેનેડા જવા માટે મથતા હોય છે. પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે કેટલીક વખત તેઓ છેતરાઇ જતા હોવાના કિસ્સાઓ પણ બનતા હોય છે. આથી કેનેડા જવા ઇચ્છુક યુવાઓ તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમના આયોજન માટે ચેમ્બર ઓફ કોમર્સની કોન્સ્યુલેટ લાયઝન / ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી છે.