ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ૮૪ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી સન્માનિત કરાયા
અંતરિયાળ ગામોમાં જઇને બાળકોને જે ભણાવે અને જ્ઞાન આપે છે એવા ગુરૂવર્યોનું આજે રાષ્ટ્ર નિર્માણમાં સૌથી વધુ યોગદાન છે : શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયા
જગતમાં કોઇ પણ પ્રકારનું એચીવમેન્ટ મેળવાતું હોય ત્યારે એની પાછળ કયાંક ને કયાંક એક ગુરૂની ભૂમિકા હોય છે. ગુરૂને કારણે જ વ્યકિતને શ્રેષ્ઠત્વ પ્રાપ્ત થાય છે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરત સહિત સમગ્ર ગુજરાતના પ્રતિભાવંત શિક્ષકો એટલે કે ગુરૂવર્યોને સન્માનિત કરવા માટે શનિવાર, તા. ર૩ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે પ્લેટીનમ હોલ, સરસાણા, સુરત ખાતે ‘સારસ્વત સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ પાનશેરીયા તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડા, VNSGUના પૂર્વ વાઇસ ચાન્સેલર તેમજ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રો–વોસ્ટ ડો. દક્ષેશ ઠાકર અને ઓરો યુનિવર્સિટીના પ્રો–વોસ્ટ પ્રોફેસર પરિમલ વ્યાસની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ વિજેતા ડો. રીટાબેન ફુલવાલા સહિત ગુજરાતભરના ૮૪ ગૌરવશાળી ગુરૂવર્યોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સમાજ ઘડતરના પાયાના શિલ્પી એવા ગુરૂજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુરૂવર્યોને એવોર્ડ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાંથી રપ૦થી વધુ નોમીનેશન્સ ચેમ્બરને પ્રાપ્ત થયા હતા. આ નોમીનેશન્સમાંથી અંતિમ પસંદગી કરવાનું કામ અત્યંત અઘરું હતું, પરંતુ જ્યુરીના છ સભ્યો રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ વિજેતા ડો. રીટાબેન ફુલવાલા અને રંજનબેન પટેલ ઉપરાંત નંદિનીબેન શાહ, મહેશ પમનાની, ડો. સંજય મહેતા અને સવજીભાઇ પટેલે આ જટિલ કાર્યને સરળ બનાવ્યું હતું.
આ જગતમાં કોઇ પણ પ્રકારનું એચીવમેન્ટ મેળવાતું હોય ત્યારે એની પાછળ કયાંક ને કયાંક એક ગુરૂની ભૂમિકા હોય છે. ગુરૂને કારણે જ વ્યકિતને શ્રેષ્ઠત્વ પ્રાપ્ત થાય છે. એ ગુરૂ માતા–પિતા પણ હોઇ શકે છે. માતા–પિતા વ્યકિતને જીવન આપે છે અને જીવન જીવવા માટે મોકળું મેદાન આપે છે, પરંતુ ગુરૂ એ વ્યકિતને, જીવન જીવવાની સાચી દિશા અને દૃષ્ટિકોણ આપે છે. આજે ઇન્ડસ્ટ્રીમાં હયુમન રિસોર્સ પૂરુ પાડવાનું કામ પણ ગુરુજનો કરી રહયા છે.
ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ પાનશેરીયાએ સમારોહમાં ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ગુરૂવર્યોનું સન્માન એટલે જ્ઞાનનું સન્માન. સારસ્વતનું સન્માન એટલે સમાજની તંદુરસ્તીનું સન્માન કહેવાય. શિક્ષકનું સ્થાન એ સમાજમાં સર્વોચ્ચ સ્તરે હોય છે. આવી વ્યકિતને આપણે ગુણાતિત કહીએ છીએ. શૈક્ષણિક ક્ષેત્રે શ્રમનું મૂલ્ય સેવા છે. રાષ્ટ્ર નિર્માણના યજ્ઞમાં તેઓનું શ્રેષ્ઠ યોગદાન હોય છે. આજે અંતરિયાળ ગામોમાં જઇને બાળકોને જે ભણાવે છે અને જ્ઞાન આપે છે એવા શિક્ષકનું રાષ્ટ્રના નિર્માણમાં સૌથી વધુ યોગદાન છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એવોર્ડ માટે દરેક શિક્ષકોના વિસ્તૃત પરિચય વાંચવામાં આવ્યા હતા અને એવોર્ડ માટે સાત જેટલા ક્રાઇટેરીયા નકકી કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક સ્કૂલના શિક્ષકો, માધ્યમિક સ્કૂલના શિક્ષકો, યુનિવર્સિટીના વિભાગીય વડાઓ, કોલેજ, રિટાયર્ડ એજ્યુકેશનિસ્ટ, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યુરી દ્વારા કરવામાં આવેલી પસંદગીના અંતે રપ૦માંથી રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ વિજેતા ડો. રીટાબેન ફુલવાલા સહિત ૮૪ ગુરૂવર્યોને ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, ગૃપ ચેરમેન મનિષ કાપડીયા તથા ભૂતપૂર્વ પ્રમુખો સમારોહમાં ઉપસ્થિત રહયા હતા. માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સમગ્ર સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન કૃતિકા શાહ, ડિમ્પલ મિશ્રા, ડો. પૂર્વી કોઠારી, ડો. રિન્કલ જરીવાલા અને જિલ્પા શેઠે પ્રાસંગિક વિધિ કરી હતી. આ સમારોહમાં જ્યુરી સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.