શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને કામરેજ તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ યોજાયો
મિલેટ્સમાં ખનિજ તત્વોનો ભંડાર હોવાથી એવા પોષક ધાન્યોને ‘શ્રીઅન્ન’ની ઉપમા આપવામાં આવી છે: શિક્ષણ રાજ્યમંત્રી
મિલેટ્સના ફાયદાઓ તેમજ પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોએ મેળવ્યું માર્ગદર્શનઃ
આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીને અનુલક્ષીને રાજ્યભરમાં તાલુકાકક્ષાના મિલેટ્સમેળાઓ યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સુરત કામરેજ તાલુકા કક્ષાનો મિલેટ્સ મહોત્સવ યોજાયો હતો.
કામરેજના દાદા ભગવાન મંદિરમાં આયોજીત સમારોહ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૨૩ને સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટસ્ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે.
આપણા ધાન્યોમાં ઉચ્ચ પોષણ ક્ષમતા છે. તેમાં ઉચ્ચ માત્રામાં પ્રોટીન, એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન, ફાઈબર તેમજ ખનિજ તત્વોનો ભંડાર હોવાથી એવા પોષક ધાન્યોને ‘શ્રીઅન્ન’ની ઉપમા આપવામાં આવી છે. આપણી તંદુરસ્તી અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી સતીશ ગામીતે સ્વાગત પ્રવચન કરીને મિલેટ્સ પાકોનું વાવેતર વધારવા અને મોટા અનાજનો દૈનિક આહારમાં ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
સુરત જુવાર સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક
ડો.બી.કે.દાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જયારે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે,ત્યારે બાજરી, જુવાર, રાગી, બન્ટી-બાવટો, કોદરા, સામો જેવા આઠ પાકોનો મિલેટ્સમાં સમાવેશ થાય છે. આ મિલેટ્સ ધાન્ય પાકો પોષકતત્વોથી ભરપુર અને તંદુરસ્તીનો ખજાનો છે. જુવારની ખોરાક માટેની ૧૩ જાતો તથા ઘાસચારાની પાંચ જાતો છે, તેની ખેતી કરવા જણાવ્યું હતું
આ પ્રસંગે મંત્રીના હસ્તે ખેતીવાડીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.
પલસાણા તાલુકાના અંભેટી ગામના પ્રાકૃતિક ખેતી કરતા કમલેશભાઈએ ખેતીપાકોમાં વ્હાઈટ ફલાયના ઉપદ્રવને અટકાવવા માટે ઉપાય વિશે જણાવ્યું કે, ૨૦૦ લિટરના ડ્રમમાં ફળાઉ ઝાડની નીચેની ૨૦ કિલો માટી ભેળવવી. તેમાં બે દિવસનું ગોળનું પાણી ભેળવી દિવસમાં ઉપર નીચે હલાવી મિશ્રણ કરવું. ૨૪ કલાક બાદ છંટકાવ કરવાથી ખુબ સારુ પરિણામ મળતુ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, જી.પંચાયતના દંડક મુકેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ, જિલ્લા પં.સદસ્ય ભારતીબેન રાઠોડ, રવજીભાઈ વસાવા અને નાયબ ખેતી નિયામક(આત્મા) એન.જી.ગામીત, નાયબ ખેતી નિયામક વિક્રમભાઈ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.