ધી સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશન ઓફ ઈન્ડિયા(ગુજરાત શાખા)ની ૨૧મી રાજ્યક્ષાની દ્રિ-વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ
નર્સિંગ વિદ્યાર્થીઓને સુદ્રઢ બનાવવા અને ભવિષ્યના પડકારોનો સામનો કરવાની થીમ આધારિત કોન્ફરન્સ
૨૧થી વધુ ઈન્ડોર- આઉટડોર ગેમ્સ સ્પર્ધામાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટુડન્ટ નર્સિસની ૨ નેશનલ અને ૪ રાજ્યકક્ષાની કોન્ફરન્સ યોજાઈ છે
ધી સ્ટુડન્ટ્સ નર્સિંસ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ગુજરાત બ્રાન્ચ દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના પ્રાંગણમાં નર્સિંગ વિદ્યાર્થીઓને સુદ્રઢ અને બનાવવા ભવિષ્યના પડકારોનો સામનો કરવાની થીમ આધારિત ૨૧મી રાજ્યકક્ષાની દ્રિ-વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યભરમાંથી સરકારી અને ખાનગી નર્સિંગ ઈન્સ્ટીટ્યૂટસના ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ ઈન્ડોર-આઉટડોર ગેમ્સ સહિત કલ્ચરલ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમના સેક્રેટરી પ્રિન્સિપલ ડો.ઈન્દ્રાવતી રાવે વિદ્યાર્થીઓ સંબોધતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા સાથેની કોન્ફરન્સથી કૌશલ્ય સાથે જ્ઞાનનો વધારો થાય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવાની તક મળી રહે છે.
વર્ચ્યુઅલી જોડાયેલા અમેરિકા સ્થિત નર્સિંગ ઓફિસર દિનેશ અગ્રવાલે કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નર્સિંગ શબ્દ કાને પડે છે ત્યારે હેલ્થ સેક્ટરની તસ્વીર નજર સમક્ષ દ્રશ્યમાન થાય છે. નર્સિંગ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફ આરોગ્ય ક્ષેત્રે ખૂબ ઉમદા સેવા પૂરી પાડી રહ્યા છે. આવનાર સમયમાં નર્સિંગ ક્ષેત્રમાં ઉજળી તકો છે, તેમજ કેનેડા, યુ.એસ. અને ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં અભ્યાસ માટે નર્સિંગ એસોસિએશન મદદરૂપ થવા હંમેશા તત્પર રહેશે એમ અગ્રવાલે ઉમેર્યું હતું.
નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ નર્સ અને નર્સિંગ વિદ્યાર્થીઓને સમાજ, દર્દીઓ અને તબીબોને જોડતી કડીરૂપ ગણાવ્યા હતા. કડીવાલાએ કહ્યું કે, ગુજરાતના નર્સિંગ સ્ટાફે વિશ્વભરમાં પોતાની આગવી કાર્યશૈલી, મહેનતથી આગવી ઓળખ ઉભી કરી છે. ટેક્નોલોજીના માધ્યમથી નર્સિંગ સ્ટાફ હવે વિદેશમાં પણ ખ્યાતનામ થઈ રહ્યો છે. અગાઉ વિશ્વમાં કેરળના નર્સિંગ સ્ટાફની માંગ હતી, પરંતુ સમય જતા શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનના કારણે ગુજરાત નર્સિંગ સ્ટાફ હવે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યો છે. સુરત શહેર પણ હવે નર્સિંગ શિક્ષણનું હબ બની રહ્યું છે. અંગદાન, રક્તદાન જેવા જનજાગૃતિ અભિયાનોમાં નર્સિંગ સ્ટાફની પણ મહત્વની ભૂમિકા છે.
આ કોન્ફરન્સમાં સ્પોર્ટસ્ સ્પર્ધામાં ૧૦૦ મીટર, ૪૦૦ મીટર દોડ, ભાલા ફેંક, ડિસ્ક થ્રો, બેડમિન્ટન તેમજ ઈન્ડોર ગેમ્સમાં રંગોળી સ્પર્ધા, પેન્સિલ સ્કેચિંગ, નિબંધ, મોનો એક્ટિંગ, વકતૃત્વ ક્વીઝ, મેડિકલ અને નર્સિંગ વિષય આધારિત પોસ્ટર પ્રેઝેન્ટેશન, સાયન્સટિફિક રિસર્ચ પેપર પ્રેઝેન્ટેશન તેમજ સ્ટુડન્ટ્સની વિવિધ સ્પર્ધાઓની ડાયરીનું દ્રિ-વાર્ષિક મૂલ્યાકન, પર્સનાલિટી કન્ટેન્ટ અને ડાન્સ કોમ્પિટીશન જેવી સ્પર્ધા યોજાઈ હતી.
નોંધનીય છે કે, સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટુડન્ટ નર્સિસની ૨ નેશનલ અને ૪ રાજ્યકક્ષાની કોન્ફરન્સ યોજાઈ છે.
આ કોન્ફરન્સમાં નર્મદ યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો.કે.એન.ચાવડા, ફેકલ્ટી ડીન અને સિન્ડિકેટ મેમ્બર ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, ટી.બી. વિભાગના વડા અને સિન્ડિકેટ મેમ્બર ડો.પારૂલ વડગામા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞાબેન ડાભી, એસોસિએશન પ્રમુખ હિતેશ ભટ્ટ, કિરણ દોમડીયા, નિલેશ લાઠીયા, ટ્વીન્કલ પટેલ અને વિરેન પટેલ સહિતના એસો.ના હોદ્દેદારો, પ્રાધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.