મિશન ૮૪ અંતર્ગત SGCCI સુરત અને KCCI નેપાળ વચ્ચે વ્યાવસાયિક આદાન – પ્રદાન માટે MOU થયાં
ચેમ્બરના પ્રતિનિધિ ચિરાગ દેસાઇએ નેપાળ ખાતે કપિલવસ્તુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, નેપાળ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયન એમ્બેસીની મુલાકાત લઇ મિશન ૮૪ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા હાથ ધરાયેલા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત નેપાળની કપિલવસ્તુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્યો અને સુરતની ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સભ્યો પરસ્પર વ્યાવસાયિક આદાન – પ્રદાન કરી શકે અને પરસ્પર ઉપયોગી થઇ શકે તે માટે બંને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ થયાં છે.
SGCCIના પ્રતિનિધિ તરીકે SGCCI બિઝનેસ કનેકટ અને સોફટ સ્કીલ્સ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન તેમજ એચઆર એન્ડ ટ્રેઇનીંગ કમિટીના કો–ચેરમેન ચિરાગ દેસાઇએ તા. ૯ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ નેપાળ ખાતે કપિલવસ્તુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તા. ૧૩મી સપ્ટેમ્બરે કાઠમાંડુ સ્થિત નેપાળ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયન એમ્બેસીની મુલાકાત લીધી હતી.
ચેમ્બરના પ્રતિનિધિએ ઉપરોકત ત્રણેય જગ્યાએ સુરતના સમૃદ્ધ વ્યાપાર – ઉદ્યોગ વિષે તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી– સુરતની વિવિધ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબુત કરવાના હેતુથી ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે મિશન ૮૪ અંતર્ગત થઇ રહેલા વિવિધ પ્રયાસો વિષે તેમણે સ્થાનિક ઉદ્યોગકારોને જાણકારી આપી હતી. જે અંતર્ગત સુરતના ઉદ્યોગકારો અને નેપાળના ઉદ્યોગકારો એકબીજા વચ્ચે પરસ્પર વ્યાવસાયિક આદાન – પ્રદાન કરી શકે અને પરસ્પર ઉપયોગી થઇ શકે તે માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેના ઉપર કપિલવસ્તુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ ઢોલખરામ ઘિમિરેએ સહી કરી હતી. બીજી તરફ, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયાએ એમઓયુ પર સહી કરી હતી.
સુરતની ચેમ્બર ઓફ કોમર્સ અને નેપાળની કપિલવસ્તુ ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે થયેલા એમઓયુને પગલે બંને દેશોની ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો વચ્ચે વ્યાવસાયિક આદાન – પ્રદાન થઇ શકશે. સાથે જ સુરતના ઉદ્યોગકારો તેમજ નેપાળના ઉદ્યોગકારોને જરૂરી વ્યાવસાયિક માર્ગદર્શન અને સહયોગ પણ મળી રહેશે. જેનાથી આગામી સમયમાં SGCCIના મિશન ૮૪ અંતર્ગત રૂપિયા ૮૪૦૦૦ કરોડના એક્ષ્પોર્ટના લક્ષ્યાંકને પાર પાડવા માટે એકબીજાનો સહયોગ મળી રહેશે.
ચેમ્બરના પ્રતિનિધિ ચિરાગ દેસાઇએ પ્રમુખ રમેશ વઘાસિયા વતિ કપિલવસ્તુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, નેપાળ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને સ્થાનિક ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળ સાથે સુરત ખાતે પધારવા માટે આમંત્રણ આપ્યું હતું. સાથે જ નેપાળની બંને ચેમ્બર ઓફ કોમર્સ તરફથી SGCCIના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળને નેપાલ ખાતે ઉદ્યોગોની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી– સુરત તરફથી આપવામાં આવેલા આમંત્રણને નેપાળની બંને ચેમ્બર ઓફ કોમર્સ સહર્ષ સ્વીકાર્યું હતું અને સુરતની ચેમ્બર ઓફ કોમર્સ તથા ઉદ્યોગોની મુલાકાત માટે પધારવા માટે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.