મિશન ૮૪ અંતર્ગત વૈશ્વિક માર્કેટમાં ઝંપલાવવા સુરતના ઉદ્યોગકારોએ કવોલિટી પ્રોડકટ બનાવવી પડશે : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને વાઇબ્રન્ટ ગુજરાતનો ભાગ બનાવવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૩૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મિટીંગ યોજાઇ હતી. જેમાં તેમણે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતને ચાઇનાનો વિકલ્પ બનવા માટે સુવર્ણ તક છે. હાલ ગ્લોબલી માર્કેટનો ટ્રેઇન્ડ ચાલી રહયો છે ત્યારે વૈશ્વિક માર્કેટમાં સ્પર્ધાત્મક બનવા માટે ઉદ્યોગકારોએ કવોલિટી પ્રોડકટ પર ધ્યાન આપવું પડશે. પ્રોડકટ કોઇપણ હોય પણ તેમાં કવોલિટી જોઇશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ મિટીંગમાં મુખ્યમંત્રી સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગકારોને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવા જઇ રહયું છે. જેના અંતર્ગત ગુજરાતના ૮૪૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં રહી બિઝનેસ કરતા ભારતના ૮૪૦૦૦ ઉદ્યોગકારોને ઓનબોર્ડ કરી રૂપિયા ૮૪૦૦૦ કરોડના દ્વિપક્ષીય ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનો પ્રયાસ થઇ રહયો છે.
તેમણે મિશન ૮૪ને વાઇબ્રન્ટ ગુજરાતનો ભાગ બનાવવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતની વિવિધ કોન્ફરન્સમાં SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટને સરકાર તરફથી રજૂ કરવામાં આવે. વાઇબ્રન્ટ ગુજરાતની સમિટમાં મિશન ૮૪ના બ્રોશરનો સમાવેશ કરવામાં આવે.
વધુમાં તેમણે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પરિસરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો એકઝીબીશન હોલ બનાવવા માટે સરકાર દ્વારા જે રૂપિયા ર૪ કરોડ જેટલી રકમ મંજૂર કરી છે તે માટે રાજ્ય સરકારનો આભાર માની તેમના વરદ્ (મુખ્યમંત્રીના) હસ્તે ખાતમૂહુર્તવિધિ સંપન્ન થાય તે માટે તેમને અનુકુળ તારીખ આપવા વિનંતી કરી હતી.
આ મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર તથા પૂર્વ પ્રમુખો અશોક શાહ, રાજેન્દ્ર ચોખાવાલા, બી.એસ. અગ્રવાલ, રોહિત મહેતા, દિનેશ નાવડિયા ઉપરાંત ઉદ્યોગપતિ મથુર સવાણી, કાનજી ભાલાલા તેમજ ધારાસભ્યો વિનુભાઇ મોરડીયા, સંદિપ દેસાઇ અને મનુભાઇ પટેલ તથા કલેકટર આયુષ ઓક અને મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ ઉપસ્થિત રહયા હતા. મિટીંગનું સંચાલન માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ કર્યું હતું.