22 માર્ચ વિશ્વ જળ દિવસ
સમગ્ર વિશ્વમાં 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પૃથ્વીના ચાર ભાગોમાંથી ત્રણ ભાગોમાં પાણી છે. પણ આ પાણીનો આપણને કોઈ ફાયદો નથી. પૃથ્વી પર ઉપલબ્ધ તમામ પાણીમાંથી માત્ર 3 ટકા જ પાણી પીવા માટે ઉપલબ્ધ છે. આડેધડ આધુનિકીકરણને લીધે ઉપલબ્ધ પાણીના પ્રાકૃતિક સ્ત્રોતો પણ સુકાવા લાગ્યા છે. જેના કારણે પાણીનો દુકાળ પડતો હોય છે. 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ ઉજવામાં આવે છે. આ વર્ષે વિશ્વ જળ દિવસની થીમ છે ‘વેલ્યૂઈંગ વોટર’. 2021ના વિશ્વ જળ દિવસની ઉજવણી નિમિત્તે આ વર્ષે યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ આડ્રે અજોલે તેમના ભાષણથી પરિષદની શરૂઆત કરી હતી. આ સંમેલનમાં પાણીના સંકટનો સામનો કરી રહેલ માનવતા માટે જાગૃતિ અભિયાનના મહત્વ અંગે સમજ આપવામાં આવી.
આજે વિશ્વ જળ દિવસ છે. 1992માં રિયો ડી જેનેરિયો યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયર્નમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ (UNCED)માં વોટર ડે સેલિબ્રેશનની પહેલ કરવામાં આવી હતી. અને પ્રથમવાર 1993માં 22 માર્ચના રોજ સેલિબ્રેશન કરવામાં આવ્યું. ભારત સહિત દુનિયાના તમામ દેશમાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેટલીક વાર જળ સંકટનો પણ સામનો પણ કરવો પડે છે. દુનિયા 2018માં એનો નજારો જોઈ ચૂકી છે. એ વર્ષે દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરને ઇતિહાસના સૌથી ખરાબ જળસંકટનો સામનો કરવો પડ્યો. પરિસ્થિતિ એવી બની ગઈ કે પીવાના પાણી માટે કૂપન આપવામાં આવતી હતી. ઉપરાંત રોજ નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ દરમિયાન ડે ઝીરોનો આઈડિયા આખી દુનિયા સામે આવ્યો. દુનિયાનાં તમામ શહેર ‘ડે ઝીરો’ એટલે કે એ દિવસના આરે ઊભા છે જ્યારે નળનું પાણી સુકાઈ જશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ જળ સંકટ આવી શકે છે. અને એ સ્થિતિ દૂર નથી જ્યાં આપણાં 13 રાજ્યના 300 જિલ્લા પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. યુએન પ્રમાણે, લોકો ખરાબ પાણી પીવા માટે મજબૂર છે અને આ કારણે દર વર્ષે દુનિયામાં 5 લાખથી વધારે લોકોનાં મૃત્યુ થાય છે.