દિલ્હીના બે અને એક આણંદનો ઠગ ઝડપાયો – આંગડીયા પેઢીના બોગસ લેટર પેડ અને રસીદ બુક પણ છપાવી હતી
હૈદરાબાદના વેપારીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણને બહાને સુરતમાં લાવીને લુંટવા માટે ભેજાબાજોએ બોગસ આંગડીયા પેઢી ઉભી કરી હતી. બાદમાં આ વેપારીને સુરતમાં આંગડીયા પેઢી સુધી લાવીને તેની પાસેથી રોકડા રૂપિયા બે કરોડ ભરેલી બેગની લુંટ ચલાવાઇ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા સાથે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.
હૈદરાબાદમાં ઓટો મોબાઇલ્સનો વેપાર કરતા વિનય નવિન જૈનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહીને ઠગ ટોળકીએ તેને સુરતમાં લાવીને લુંટવાનો પ્લાન બનાવ્યો હતો. પ્રથમ આ આરોપીઓ પૈકી આણંદના શાહરૂખ વોરાએ વરાછા મેઇન રોડ પર વરાછા પોલીસ સ્ટેશન સામે આવેલા સેન્ટ્રલ બજારમાં એક દુકાન ભાડે રાખીને શ્રીસિધ્ધી એન્ટરપ્રાઇઝ નામની બોગસ આંગડીયા પેઢી બનાવી હતી. ત્યાર બાદ હૈદરાબાદના વેપારી વિનય નવિન જૈનને ગત શુક્રવારના રોજ રોકડા રૂપિયા બે કરોડ લઇને સુરત લાવવા માટે ઠગ ટોળકીના માણસોએ જ પ્લાન બનાવ્યો હતો. જ્યારે વિનય જૈન સુરત ખાતે આવ્યા ત્યારે રૂપિયા આંગડીયા મારફત હવાલાથી મોકલવાના છે એવુ કહીને તેમને વરાછા પોલીસ સ્ટેશન સામે આવેલા સેન્ટ્રલ બજારની બોગસ શ્રી સિધ્ધી વિનાયક આંગડીયા પેઢીમાં લઇ જવાયા હતા. જ્યાં તેમની પાસેથી પિન્ટુ અને સુમનસિંગે ક્રિપ્ટો કરન્સી વોલેટમાં ક્રિપ્ટો કરન્સી યુ એસ ડોલરમાં ટ્રાન્સફર થઇ ગયાના બોગસ સ્ક્રિન શોટ બતાવ્યા હતા. જો કે, પોતાના એકાઉન્ટમાં ક્રિપ્ટો ન આવ્યાની દલીલ વિનય જૈન દ્વારા કરાતા આંગડીયા પેઢીમાં હાજર આરોપીઓએ તેમની સાથે ઝપાઝપી કરી હતી તેમજ તેમની પાસેથી રોકડા રૂપિયા બે કરોડ ભરેલી બેગ લુંટીને લક્ઝુરીયસ કાર મારફત નાસી છુટ્યા હતા. આ બનાવ અંગે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ બનાવમાં સુમન હીરાપ્રસાદ સીંગ (ઠાકુર ) ( ઉ.વ.36, રહે. મકાન નં.એ/79, ગલી નં.2, વેસ્ટ વિનોદ નગર, મયુર વિહાર પાસે, દિલ્હી. મૂળ રહે.બિહાર ), શાહરુખ અનવરભાઈ વ્હોરા ( ચરોતર ) ( ઉ.વ.27, રહે.ફ્લેટ નં.401, અલ મુકામ રેસિડન્સી, કિસ્મત ચોકડી પાસે, તાંદલેજા, વડોદરા.મૂળ રહે,આણંદ ) અને પિન્ટુ કુમાર ઉર્ફે પી.કે. ઉમાશંકર ઝા ( ઉ.વ.38, રહે.બ્લોક ટી મકાન નં.218, નિઝામુદ્દીન દરગાહ પાસે, સાઉથ દિલ્હી. મૂળ રહે.બિહાર ) ની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે તેમની પુછપરછ કરતા ખુલાસો થયો હતો કે હૈદરાબાદના વેપારીને લૂંટવા માટે ટોળકીએ વરાછા પોલીસ સ્ટેશનની સામે જ બોગસ આંગડીયા પેઢી શરૂ કરી હતી. શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઈઝના નામે શરૂ કરાયેલી પેઢીનું સંચાલન શાહરૂખને સોંપાયું હતું. જયારે ત્યાં કામ કરતા લોકો પણ તેમની જ ગેંગના હતા. ક્રાઈમ બ્રાન્ચને ત્યાંથી રસીદ બુક પણ મળી હતી. તેમાં કોલકત્તા, દિલ્હી, મુંબઈમાં બ્રાન્ચ હોવાનો ઉલ્લેખ છે. પણ હકીકતમાં તેમની કોઈ બ્રાન્ચ ત્યાં નથી.ક્રાઈમ બ્રાન્ચે આથી આ ગુનામાં આઈપીસીની કલમ 465, 467, 468, 471 નો પણ ઉમેરો કરી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના બહાને વેપારીને સુરત બોલાવી બોગસ પેઢીમાં લાવી લૂંટવાની યોજના પાછળના ભેજાંબાજોને ઝડપી પાડવા ઝડપાયેલા ત્રણના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.