INDIA NEWS : વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂત, ભાજપમાં સ્વરૂપજી ઠાકોર અને ભાજપના પ્રખર નેતા માવજીભાઈ પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ વચ્ચે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના નેતાઓએ માવજીભાઈ પટેલને મનાવવાનો દોર શરૂ કર્યો છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્રો ભર્યા બાદ ભાજપના દિગ્ગજ આગેવાન પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જેથી ભાજપ ના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, મહામંત્રી કનુભાઈ વ્યાસ અને વસંત પુરોહિત એ થરાદ ખાતે એક ખાનગી જગ્યાએ બેઠક યોજીને પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલને મનાવવાનો દોર શરૂ કર્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે માવજીભાઈ પટેલ એક ના બે ન થયા હતા અને જો પાર્ટી મેન્ડેડ બદલી ને મને આપે તો હું પક્ષમાંથી ચૂંટણી લડીશ ન આપે તો હું અપક્ષ ચૂંટણી લડવાની પૂરેપૂરી તૈયારી દાખવી છે. આ સાથે ભાજપના નેતાઓ મનાવવા ગયા પરંતુ વિલા મોઢે પાછાં કર્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જેથી અત્યારે ભાજપના પ્રદેશ મોવડી મંડળે માવજીભાઈ પટેલને મનાવવાની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જો માવજીભાઈને મનાવી લે તો જ ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી કાંટે કી ટક્કર જોવા મળશે.
જો અપક્ષ ઉમેદવારી ફોર્મ પાછું ન ખેંચે તો વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિપાંખિઓ જંગ જોવા મળશે. સાથે કેટલાક આગેવાનો જણાવી રહ્યા છે કે ભાજપના આગેવાન માવજીભાઈ પટેલ કેમ રીસાયા એ બાબતે અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે ત્યારે ભાજપમાં કોંગ્રેસમાં અત્યારે કકળાટ ચરમસીમાએ છે. જેથી કરીને ભાજપ, કોંગ્રેસના પ્રદેશના નેતાઓ બે દિવસમાં વાવ વિધાનસભામાં ધામા નાખે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.