Balasore Train Accident: ઓડિશાના બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં ઘાયલોને આપવામાં આવતી તબીબી સહાયની સમીક્ષા કરવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રવિવારે ભુવનેશ્વર પહોંચ્યા છે. આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. દિલ્હી AIIMS ના તબીબી નિષ્ણાતોની એક ટીમ ઘાયલોને સારવાર આપવા માટે તબીબી સાધનો સાથે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત સ્થળની પણ મુલાકાત લેશે.
માંડવીયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી
ભુવનેશ્વરમાં મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે દિલ્હી AIIMS, RML હોસ્પિટલના વિશેષજ્ઞ ડોકટરોની ટીમ આધુનિક ઉપકરણો અને દવાઓ સાથે ખાસ એરફોર્સ એરક્રાફ્ટ દ્વારા અહીં આવી છે. “
“100 થી વધુ દર્દીઓને સંભાળની જરૂર છે”
તેમણે કહ્યું, “આ ભયાનક અકસ્માતમાં 1,000 થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. 100 થી વધુ દર્દીઓને ગંભીર સારવારની જરૂર છે. તેમની સારવાર માટે દિલ્હી એઈમ્સ, લેડી હાર્ડિંજ હોસ્પિટલ અને આરએમએલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો આધુનિક સાધનો અને દવાઓ સાથે અહીં પહોંચ્યા છે. અમે વિગતવાર ચર્ચા કરી હતી અને એક યોજના પણ તૈયાર કરવામાં આવી છે.