નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણના આગમન સાથે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે સ્થાપિત કરેલા વિશ્વ વિક્રમમાં સહભાગી બન્યો સુરત જિલ્લો
સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વન પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો
૨૦૨૪ના નવા પ્રભાતે પ્રથમ સૂર્ય કિરણને આવકારવા યોગ સાધકોએ કર્યા સૂર્ય નમસ્કાર કર્યા
રાજ્યના ૧૦૮ સ્થળોએ સૂર્યનમસ્કાર કરીને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે નવા વર્ષના મંગલમય દિવસે રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વન પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના પ્રેરક ઉપસ્થિતિમાં યોગ સાધકો એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. સુરત જિલ્લાના ૩ સહિત સમગ્ર રાજ્યના ૧૦૮ ઐતિહાસિક સ્થળોએ સામુહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.
યોગ એ ભારતીય સંસ્કૃતિ એક પ્રાચીન પ્રથા છે જેનો ઉદ્દભવ ભારતમાં થયો હતો. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીના અસંખ્ય ફાયદાઓ માટે વિશ્વવ્યાપી માન્યતા મળી છે. તેમાં શરીર, મન અને ભાવના વચ્ચે સુમેળ સાધવા માટે શારીરિક મુદ્રાઓ, આસનો, પ્રાણાયામ અને ધ્યાનનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં મોઢેરાના સૂર્યમંદિર ખાતેના કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા ૬ શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો. મોઢેરા સુર્ય મંદિરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જીવંત પ્રસારણ યોગીપ્રેમીઓ નિહાળ્યું હતું.
આ અવસરે મેયર દક્ષેશભાઈ માવાણી, ડે. મેયર નરેન્દ્રભાઈ પાટીલ, સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા, ડે.કમિશનર ડો.રાજેન્દ્ર પટેલ, યોગ બોર્ડના કોર્ડીનેટર ભીમભાઈ બસેલ, ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિ અધ્યક્ષા ગીતાબેન સોલંકી, પોલીસ વિભાગના જવાનો, મનપાના અધિકારી-કર્મચારીઓ, ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ, સ્પોર્ટસ વિભાગના પ્રતિનિધિઓ સહિત વિદ્યાર્થીઓ તથા યોગપ્રેમીઓએ સામુહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા.