નવી દિલ્હીઃ કોરોના કાળમાં નીટ અને જેઈઈ પરીક્ષા યોજવાના નિર્ણય વિરૂદ્ધ સાત રાજ્યોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાનો નિર્ણય લીધો છે. બુધવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત સાત રાજ્યોના મુખ્યમંત્રીઓની ઓનલાઈન બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. જેમાં સરકારના પરીક્ષા યોજવાના નિર્ણય વિરૂદ્ધ સર્વોચ્ચ અદાલતમાં જવાની સર્વસંમતિ સધાઈ છે. આ બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશસિંહ બધેલ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ, પુડુચેરીના મુખ્યમંત્રી નારાયણસ્વામી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાગ લીધો હતો.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, લાખો વિદ્યાર્થીઓ એવા છે કે જેમને લોકડાઉનના કારણે ટ્રાન્સપોર્ટ સુધીની સુવિધાઓ નથી મળી રહી. મમતા બેનર્જીએ કહ્યું કે, હું પરીક્ષાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણાં પત્રો લખી ચૂકી છું અને કહ્યું છે કે, જ્યારે વિદ્યાર્થી પરેશાન છે તો એવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને કોર્ટને પરીક્ષા યોજવાના નિર્ણય પર રિવ્યૂની માગણી કરી શકે છે. મમતા બેનર્જીનું કહેવું છે કે હું તમામ રાજ્ય સરકારોને અપીલ કરું છું કે, નીટ અને જેઈઈની પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં જઈએ અને પરીક્ષા મોકૂફ રાખવાની માગણી કરીએ.
આ બેઠકમાં ઉપસ્થિત બિન ભાજપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ મમતા બેનર્જીની વાત સાથે સંમતિ દર્શાવી હતી. અને કહ્યું કે, જે રીતે એકજૂથ થઈને કામ કરવું જોઈએ તે નથી થઈ રહ્યું. સાથે જ તેઓએ કહ્યું કે, જીએસટીને લઈને કેન્દ્રનું બેવડું વલણ છે.