જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામે ‘વતન પ્રેમ યોજના’ અંતર્ગત નવનિર્મિત લાયબ્રેરીનુ લોકાર્પણ કરાયું
કુલ રૂ.૧૭ લાખમાં તૈયાર થયેલી લાયબ્રેરીમાં રૂ.૧૦.૫૦ લાખના એન.આર.આઈ અને રૂ.૭ લાખના રાજ્ય સરકારના અનુદાન સાથે ’વતન પ્રેમ યોજના’ હેઠળ જિલ્લાનો પ્રથમ પ્રોજેક્ટ બન્યો
૫૦ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ધરાવતી લાયબ્રેરી ૨૪ કલાક કાર્યરત રહેશે
જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામે ‘વતન પ્રેમ યોજના’ હેઠળ રૂ.૧૭ લાખના ખર્ચે નવનિર્મિત લાયબ્રેરીનુ લોકાર્પણ કરાયું હતું. વર્ગ ૧-૨ અને ૩ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ભટગામ સહિત આજુબાજુના ગામના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે નિર્મિત લાયબ્રેરી રાજ્ય સરકારની ‘વતન પ્રેમ યોજના’ અંતર્ગત જિલ્લાનો પ્રથમ પ્રોજેક્ટ બન્યો છે.
ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં બનેલી આ લાયબ્રેરી ૫૦ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ધરાવે છે. તેમાં મુળભૂત સુવિધાઓની સાથે વર્ગ-૧, ૨ અને ૩ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ગુજરાતી અને હિન્દી ભાષાના આશરે ૪૫૦થી વધુ પુસ્તકો છે. તેમજ વિદ્યાર્થીઓ માટે આ લાયબ્રેરી ૨૪ કલાક કાર્યરત રહેશે.
મૂળ અમરેલીના પરંતુ વર્ષોથી યુ.એસ.એ માં સ્થાયી થયેલા પંડયા પરિવારના મનીષા પંડયાએ બારડોલીના મુકુલ ટ્રસ્ટ દ્વારા ‘વતન પ્રેમ યોજના’ હેઠળ ગામમાં લાયબ્રેરીના નિર્માણ માટે રૂ.૧૦.૫૦ લાખનું અનુદાન આપ્યું. અને રૂ.૭ લાખનાં રાજ્ય સરકારના અનુદાનથી નવીન લાયબ્રેરીનું નિર્માણ કરાયું છે.
અહીં નોંધનીય છે કે, ‘વતન પ્રેમ યોજના’નો મુખ્ય ધ્યેય પરદેશમાં રહેતા વતનપ્રેમી લોકોને માતૃભૂમિનું ઋણ ચૂકવવાની તક આપવાનો છે. જેમાં સરકાર, દાતાઓ તેમજ ગામના લોકો વચ્ચે જન કલ્યાણ-વિકાસકીય ત્રિવેણી સંગમ થકી ગામમાં સુવિધાઓ વધારી ગામની જીવંતતા વધારવાની કલ્યાણકારી ભાવના છે. એન.આર.આઈ.દાતાઓ વતનમાં સુવિધા કે વિકાસ પ્રોજેક્ટ નિર્માણ કરવા ઇચ્છતા હોય તો તે માટે થનાર કુલ ખર્ચના ૬૦% દાતાઓ વાહન કરે છે, જયારે ૪૦% રાજ્ય સરાકાર તરફથી સહાય મળે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, પૂર્વ જિ.પં.પ્રમુખ ભાવેશભાઈ પટેલ, લેખક જય વસાવડા, બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ જિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી નિશાંત કુગસિયા, તાલુકા પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડ સહિત ગ્રામજનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.