Sushil Modi: બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીનું સોમવારે રાત્રે 72 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના પાર્થિવ દેહને મંગળવારે બપોરે લગભગ 2.20 વાગ્યે દિલ્હીથી પટના એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો જયા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
72 વર્ષની વયે તેમનું અવસાન
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીનું સોમવારે સાંજે દિલ્હી AIIMSમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. તેઓ 72 વર્ષના હતા. છેલ્લા કેટલાક સમયથી તેમને ગળાની કેન્સરની બીમારી હતી. સુશીલ લૂમર મોદીને ગળામાં દુખાવાની ફરિયાદ પર લગભગ 7 મહિના પહેલાં ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારથી તેઓ દિલ્હી એમ્સમાં સારવાર હેઠળ હતા. તેમણે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે તે 6 મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. જેના કારણે તેમણે પીએમ મોદીને પણ કહ્યું છે કે તેઓ લોકસભા ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં.
Sushil Modi: પાર્થિવ દેહને વિમાન દ્વારા પટના લવાયો
આખરે સોમવારે દિલ્હીમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેમના નિધન પર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી અને દેશભરના તમામ પક્ષોના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. સુશીલ કુમાર મોદીના નિધન બાદ તેમના પાર્થિવ દેહને ખાસ વિમાન દ્વારા પટના લાવવામાં આવ્યો હતો. પટના એરપોર્ટ પર ભાજપના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીંથી તેમના પાર્થિવ દેહને તેમના રાજેન્દ્ર નગર સ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવશે, જ્યાં અંતિમ દર્શન કર્યા બાદ પટનાના ગંગા ઘાટ પર સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના અવસાન ની ખબર આવતા બિહાર ભાજપે આજના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.