Share Market All Time High: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. સ્થાનિક શેરબજારે શુક્રવારે સતત બીજા દિવસે નવી ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો છે. કારોબારની ધીમી શરૂઆત બાદ થોડા જ સમયમાં માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી અને BSE સેન્સેક્સે ઈતિહાસમાં પ્રથમ વખત 84 હજારનો આંકડો પાર કર્યો હતો. સેન્સેક્સે પ્રથમ વખત 84,100ને પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ગુરુવારે પણ સેન્સેક્સે રેકોર્ડ ઉંચી સપાટી બનાવી હતી. સેન્સેક્સની સાથે સાથે નિફ્ટી પણ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. નિફ્ટી પ્રથમ વખત 25,650ને પાર કરી નવી ટોચને સ્પર્શી રહ્યો છે.
સ્થાનિક બજારમાં કારોબારની શરૂઆત થોડી ઝડપી ગતિ સાથે થઈ હતી. સેન્સેક્સ 350 પોઈન્ટના ઉછાળા સાથે અને નિફ્ટી લગભગ 100 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો, થોડીવાર પછી સવારે 9:20 કલાકે સેન્સેક્સ 175 પોઈન્ટ નીચે આવીને 83,370 પોઈન્ટની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, બાદમાં ટ્રેડિંગ દરમિયાન માર્કેટે શાનદાર વાપસી કરી અને 900 પોઈન્ટનો ઉછાળો લઈને નવો રેકોર્ડ હાઈ બનાવ્યો. સવારે 11 વાગ્યે સેન્સેક્સે 900થી વધુ પોઈન્ટના અદભૂત ઉછાળા સાથે 84159નો આંકડો પાર કર્યો હતો. સેન્સેક્સના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે તે 84 હજારને પાર કરી ગયો છે. એ જ રીતે, 25,663.45 પોઈન્ટની ઊંચી સપાટીને સ્પર્શ્યા પછી, નિફ્ટી સવારે 11 વાગ્યે લગભગ 225 પોઈન્ટના વધારા સાથે 25,645 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
રોકાણકારોને ફાયદો થયો
બજારની તેજી બાદ રોકાણકારોએ પણ જોરદાર નફો કર્યો હતો. ગઈ કાલે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપ રૂ. 4,65,47,277 કરોડ હતું, જેમાં આજે રૂ. 4 લાખ કરોડનો વધારો થયો છે અને હવે તે વધીને રૂ. 4,69,33,988 કરોડ થયો છે. આ પહેલા ગુરુવારે પણ સ્થાનિક બજારે નવા ઉચ્ચ સ્તરનો રેકોર્ડ બનાવ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 236.57 પોઈન્ટના વધારા સાથે 83,184.80 પોઈન્ટ પર અને નિફ્ટી 50 38.25 પોઈન્ટના વધારા સાથે 25,415.95 પોઈન્ટ પર બંધ થયો હતો.
આ શેરોમાં વધારો
બજારના તોફાનમાં જે શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે, તેમાં કોચીન શિપયાર્ડનો શેર 10 ટકા વધીને રૂ. 1841 થયો છે. IIFL ફાઇનાન્સ પણ 10 ટકા વધીને રૂ. 541 થયું છે.