નવી દિલ્હીઃ પહેલી સપ્ટેમ્બરથી દેશભરમાં અનલોક-4 શરૂ થવાનું છે અને લોકોના મનમાં ઘણાં સવાલ છે. એટલે કે, મેટ્રો સેવા શરૂ થશે કે નહિ, અથવા પછી શાળા-કોલેજો ખુલશે કે નહિ? તેનો જવાબ આરોગ્ય મંત્રાલયે આપ્યો છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે સ્પષ્ટ કરી દીધું છે કે, સરકાર તરફથી શાળા અને કોલેજો ખોલવાને લઈને કોઈ નિર્દેશ અપાયા નથી. આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, અનલોકને લઈને ગૃહમંત્રાલય તરફથી જારી કરાયેલી ગાઈડલાઈન્સમાં શાળા અને કોલેજો ખોલવા સંદર્ભે કોઈ નિર્દેશ આપવામાં નથી આવ્યો. એટલે કે સપ્ટેમ્બરમાં શાળા-કોલેજો ખુલવાની કોઈ શક્યતા નથી.
રાજેશ ભૂષણે કહ્યું કે, દેશમાં જે પણ ગતિવિધિઓ શરૂ કરાઈ રહી છે તેને લઈને આરોગ્ય મંત્રાલય એસઓપી જારી કરે છે. તેવી જ રીતે દેશમાં જ્યારે પણ શાળા-કોલેજને ખોલવાનો નિર્ણય થશો તો તે એસઓપીના પ્રભાવમાં આવશે અને તેને લાગુ કરવાનું અનિવાર્ય હશે. આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં કહ્યું કે, દેશમાં અત્યારસુધીમાં 3 કરોડ 60 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, દેશમાં સાજા થયેલાં દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસથી ત્રણ ગણાં વધારે છે. આ ઉપરાંત એ પણ જણાવ્યું કે, કોરોનાના કાળમાં સરકારી અને પ્રાઈવેટ બન્ને પ્રકારની લેબોરેટરી ઘણી સંખ્યામાં ખુલ્યા છે જેના કારણે ટેસ્ટિંગમાં ઘણો સુધાર થયો છે.
મંત્રાલય તરફથી જણાવ્યું કે, કુલ મામલામાં 22.2 ટકા કેસ એક્ટિવ છે, જ્યારે કોરોના રિકવરી રેટ 75 ટકાથી વધારે થઈ ગયા છે. આ ઉપરાંત દેશમાં કોરોનાના કારણે મૃત્યુદર 1.58 ટકા છે, જે દુનિયામાં સૌથી ઓછામાં સામેલ છે. છેલ્લાં 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 6400નો ઘટાડો થયો છે. જે પહેલી વાર થયું છે.