નવી દિલ્હીઃ બ્રેઈન સર્જરી થયા બાદ વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી ડીપ કોમામાં ચાલ્યા ગયા છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં બુધવારે તેમનું હેલ્થ બૂલેટિન જારી કરતાં કહ્યું કે, તેમને લગાતાર વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને તેઓ ડીપ કોમામાં છે. પ્રણબ મુખર્જીના હેલ્થ બૂલેટિન અનુસાર છેલ્લાં 16 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરાયેલાં પૂર્વ રાષ્ટ્રપતિ બ્રેઈન સર્જરી બાદથી ગંભીર સ્થિતિમાં છે. હોસ્પિટલના અધિકારીઓના કહેવા પ્રમાણે પ્રણબ મુખર્જીના ફેફસાંમાં સંક્રમણ થઈ ગયું છે. જેની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત કહેવાય છે કે, મંગળવારે તેમની કિડની પણ ખરાબ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં મુખર્જીના ફેફસાંમાં સંક્રમણ થયા બાદ તેમનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થઈ ગયું હતું. નિષ્ણાત તબીબોની એક ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિને 10 ઓગસ્ટે બપોરે એક જીવન રક્ષક સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. 10 ઓગસ્ટે મુખર્જીએ ટ્વિટ કર્યું હતું કે, એક અલગ પ્રોસિજર માટે હોસ્પિટલમાં આવ્યો છું અને મારો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગયા સપ્તાહે મારા સંપર્કમાં આવેલા લોકોને અનુરોધ કરું છું કે, પોતાને આઈસોલેટ કરી પોતાનો કોવિડ-19નું પરીક્ષણ કરાવી લે.
બ્રેઈન સર્જરી બાદથી પૂર્વ રાષ્ટ્રપતિ સતત લાઈફ સેવિંગ સપોર્ટ પર છે. ઓપરેશન બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે, તેમનું ઓપરેશન સફળ રહ્યું છે અને તેઓ રિકવર પણ થઈ રહ્યા છે. પરંતુ, પછી તેમની હાલત સ્થિર થઈ અને હવે અહેવાલ આવ્યા છે કે, તેઓ ડીપ કોમામાં ચાલ્યા ગયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડીપ કોમામાંથી ક્યારે બહાર આવે છે તે બાબતે હાલમાં કશું કહી શકાય એમ નથી.