હરિયાણાના મેવાત અને નૂહમાં હિંસા ભડકાવવાના આરોપી બિટ્ટુ બજરંગીની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે પોલીસે બિટ્ટુ બજરંગીની ફરીદાબાદ સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી હતી. હરિયાણાના નૂહથી શરૂ થયેલી હિંસાની ઝપેટમાં ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારો પણ આવી ગયા હતા, જેમાં બિટ્ટુ બજરંગીનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. જો કે નૂહ હિંસામાં આરોપી બન્યા બાદ તે ફરાર હતો, પરંતુ હવે તેની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, બિટ્ટુ બજરંગીએ જ બ્રજમંડળ શોભાયાત્રા પહેલા સોશિયલ મીડિયા પર ઘણી ભડકાઉ પોસ્ટ શેર કરી હતી. આ તમામ પોસ્ટ પરથી હિંસા ફાટી નીકળી હતી, ત્યારપછી બિટ્ટુ બજરંગી ફરાર થઈ ગયો હતો.
મહાપંચાયત બોલાવી
હકીકતમાં, રવિવારે નૂહને અડીને આવેલા પલવલ જિલ્લામાં તમામ જાતિની મહાપંચાયત બોલાવવામાં આવી હતી. લગભગ પાંચ કલાક સુધી ચાલેલી આ હિંદુ મહાપંચાયતમાં ગુરુગ્રામ અને અન્ય નજીકના સ્થળોના લોકો ભાગ બન્યા હતા. જો કે, વધુમાં વધુ 500 લોકોને જ ભેગા થવા દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ પ્રશાસને પંચાયતમાં સંબોધન દરમિયાન દ્વેષપૂર્ણ ભાષણ કે ઉશ્કેરણીજનક ભાષણ ન આપવા અને હથિયારો પર પ્રતિબંધ મૂકવાની પણ ચેતવણી આપી હતી. તે જ સમયે, પોલીસ પ્રશાસન દ્વારા 2 વાગ્યા સુધીમાં પંચાયત સમાપ્ત કરવાની શરતે પરવાનગી આપવામાં આવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આ મહાપંચાયતમાં હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આટલું જ નહીં, પંચાયત દરમિયાન દ્વેષપૂર્ણ ભાષણ આપવાનો મામલો પણ સામે આવ્યો છે. નવાઈની વાત એ છે કે આ બધુ પોલીસની હાજરીમાં જ થયું હતું. ઉલ્લેખનીય છે કે, આ મહાપંચાયત અગાઉ નુહ જિલ્લાના કિરા ગામમાં બોલાવવામાં આવી હતી, પરંતુ પોલીસે તેને મંજૂરી આપી ન હતી. આ પછી, પલવલમાં મહાપંચાયતનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના પર નાયબ પોલીસ અધિક્ષક (મુખ્યાલય) સંદીપ મોરે કહ્યું હતું કે આદેશના કોઈપણ ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.