નવી દિલ્હીઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મહંત નૃત્ય ગોપાલદાસને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ નૃત્ય ગોપાલ દાસને ઓક્સિજન આપવામાં આવ્યું છે. હાલમાં તેઓ મથુરામાં છે. આગરાના સીએમઓ અને તમામ ડોક્ટર્સ નૃત્ય ગોપાલદાસની સારવાર માટે પહોંચ્યા છે. મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાના અહેવાલ મળતાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરાના જિલ્લા અધિકારીઓ ઉપરાંત મેદાંતા હોસ્પિટલના ડો. નરેશ ત્રેહાન સાથે વાતચીત કરી છે. કહેવાય છે કે, મહંત નૃત્ય ગોપાલદાસને ગુરૂગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે નૃત્ય ગોપાલદાસ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પ્રસંગે મથુરા આવે છે. અને આ વખતે પણ તેઓ જન્માષ્ટમી નિમિત્તે મથુરા આવ્યા હતા. જ્યાં તેમની તબિયત અચાનક જ બગડી હતી. ગયા સપ્તાહમાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિરના શિલાન્યાસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અયોધ્યા પહોંચ્યા હતા, તો તેમણે નૃત્ય ગોપાલદાસની મુલાકાત લીધી હતી. નૃત્ય ગોપાલદાસના કોરોના સંક્રમિત હોવાના અહેવાલ મળતાં જ સંભવતઃ વડાપ્રધાન મોદી પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવશે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને જોતાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં ખાસ વ્યવસ્થા કરાઈ હતી અને માસ્ક તેમ જ સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન કરાયું હતું.
દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 24 લાખની નજીક પહોંચી ગયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન લગભગ 67 હજાર નવા કેસ સામે આવ્યા છે અને 942 લોકોનાં મોત થયાં છે. ગુરૂવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલી અપડેટ અનુસાર કુલ દર્દીઓની સંખ્યા 23 લાખ 96 હજાર 637 છે.