New Foreign Secretary: જાણો કોણ છે આગામી વિદેશ સચિવ વિનય ક્વાત્રા?
આગામી વિદેશ સચિવ તરીકે વિનય ક્વાત્રાના નામને મંજૂરી આપવામાં આવી છે. ક્વાત્રા હાલમાં નેપાળમાં ભારતના રાજદૂત છે. ક્વાત્રા હર્ષવર્ધન શ્રિંગલાનું સ્થાન લેશે જે એપ્રિલના અંતમાં નિવૃત્ત થવાના છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર કેબિનેટની નિમણૂક સમિતિએ નવા વિદેશ સચિવ તરીકે વિનય ક્વાત્રાના નામને મંજૂરી આપી દીધી છે.
કોણ છે વિનય મોહન ક્વાત્રા?
વિદેશ સેવામાં 32 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા વિનય ક્વાત્રાએ જીનીવામાં ભારતના કાયમી મિશન ઉપરાંત ચીન, દક્ષિણ આફ્રિકા અને ઉઝબેકિસ્તાનમાં રાજદ્વારી તરીકે સેવા આપી છે. માનવામાં આવે છે કે ક્વાત્રાને ચીન અને અમેરિકા સાથે વાતચીતનો લાંબો અનુભવ છે. ક્વાત્રાએ વડાપ્રધાન કાર્યાલયમાં સંયુક્ત સચિવનું પદ પણ સંભાળ્યું છે.
શું છે ભારત સામે પડકાર ?
વિનય મોહન ક્વાત્રા એવા સમયે વિદેશ સચિવનું પદ સંભાળવા જઈ રહ્યા છે જ્યારે ભારત રાજદ્વારી સ્તરે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. શ્રીલંકામાં આર્થિક સંકટ છે, પાકિસ્તાનમાં ઈમરાન સરકાર પડી ગઈ છે. આ સંજોગોમાં ભારતની રાજદ્વારી રેખાને યોગ્ય દિશા આપવાની જવાબદારી વિનય મોહન ક્વાત્રાના ખભા પર રહેશે.
કેવો છે ક્વાત્રાનો અનુભવ?
વિનય ક્વાત્રા વિશે એવું કહેવાય છે કે તેમને ચીન અને અમેરિકા સાથેના વ્યવહારનો લાંબો અનુભવ છે અને આ બંને દેશો હાલમાં વૈશ્વિક સ્તરે ચિંતાનું કારણ છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધમાં ચીન ખુલ્લેઆમ રશિયાનું સમર્થન કરી રહ્યું છે અને બીજી તરફ અમેરિકા રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો લાદી રહ્યું છે. વિનય ક્વાત્રા ભારત-ચીન અને રશિયા વચ્ચે સંતુલન જાળવવા અને રાષ્ટ્રીય હિતને આગળ વધારવા માટે જવાબદાર રહેશે.
આ પણ વાંચી શકો :Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે
આ પણ વાંચી શકો : KASHMIR TEMPLE: શ્રીનગરનું આ ખાસ મંદિર 32 વર્ષ બાદ ઝળહળ્યું, પૂજા માટે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો ભેગા થયા