નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા એટલે કે NEET અને સંયુક્ત પ્રવેશ પરીક્ષા એટલે કે JEEને મોકૂફ રાખવા માટે હવે કોંગ્રેસ સહિત ઘણાં રાજકીય પક્ષો એકસાથે આવી ગયાં છે અને આ મુદ્દાને લઈને સરકાર વિરૂદ્ધ મોરચો ખોલવાની તૈયારી કરી દીધી છે. એનએસયુઆઈના કાર્યકરોએ જેઈઈ-નીટ પરીક્ષાઓ મોકૂફ રાખવા માટે અનિશ્ચિતકાળના ધરણાં પ્રદર્શન શરૂ કરી દીધાં છે અને હવે ધીરે ધીરે અન્ય રાજકીય પક્ષો પણ આ મુદ્દાને લઈને મેદાનમાં આવી ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે, દેશભરમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ ઝુંબેશમાં જોડાવવાના છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ નીટ અને જેઈઈની પરીક્ષાની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. સાથે જ પરીક્ષા સંબંધિત દિશાનિર્દેશ પણ જારી કરી દેવામાં આવી છે. જેઈઈની પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે, જ્યારે નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાશે.
NEET અને JEE પરીક્ષા રોકવા માટે વિપક્ષ સતત સરકાર પર દબાણ બનાવી રહી છે. આ મામલાને લઈને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોલ પર મહત્વની બેઠક બોલાવી.
I think we should go to Prime Minister or President before approaching the Supreme Court: Jharkhand CM Hemant Soren at Sonia Gandhi's virtual meet with CMs of 7 states#JEE_NEET https://t.co/wfRU5MSD1P pic.twitter.com/LtwTLPvHGl
— ANI (@ANI) August 26, 2020
અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આગ્રહ કર્યો હતો કે, કેન્દ્ર સરકારે નીટ અને જેઈઈ પરીક્ષાઓને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ પુનઃવિચાર અરજી દાખલ કરવી જોઈએ. આપને જણાવી દઈએ કે સર્વોચ્ચ અદાલતે કોરોના મહામારી દરમિયાન NEET અને JEE પરીક્ષા યોજવાનો આદેશ કર્યો છે. ત્યારબાદ પ્રશાસન તરફથી પરીક્ષાની તૈયારીઓ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. પરીક્ષાર્થીઓને ઓનલાઈન રોલ નંબર પણ જારી કરી દેવામાં આવ્યા છે. સાથે જ પરીક્ષા સંદર્ભે દિશા નિર્દેશો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.