HomeIndiaમધ્યપ્રદેશમાં શિવરાજ સરકારના મંત્રીમંડળનું થયું વિસ્તરણ, 28 નવા મંત્રીઓએ લીધા શપથ, સિંધિયા...

મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારના મંત્રીમંડળનું થયું વિસ્તરણ, 28 નવા મંત્રીઓએ લીધા શપથ, સિંધિયા જૂથનો દબદબો જોવા મળ્યો

Date:

મધ્યપ્રદેશમાં લાંબા સમયથી અટકી પડેલા શિવરાજ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનું કામ આજે પૂર્ણ થયું છે. આજે મધ્ય પ્રદેશનો વધારાનો હવાલો સંભાળતા રાજ્યપાલ આનંદીબહેન પટેલે રાજભવનમાં 28 નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. શપથગ્રહણ સમારંભમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સામેલ થયા હતા. 28 નવા મંત્રીઓમાં 20 કેબિનેટ મંત્રી અને 8 રાજ્ય મંત્રીનો સમાવેશ થાય છે.

ભોપાલઃ મધ્યપ્રદેશમાં લાંબા સમયથી અટકેલા શિવરાજ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ આજે થયું. મધ્ય પ્રદેશનો વધારાનો હવાલો સંભાળતા રાજ્યપાલ આનંદીબહેન પટેલે રાજભવનમાં 28 મંત્રીઓને શપથ લેવડાવ્યા. નવા મંત્રીઓના લિસ્ટ પર નજર નાંખીએ તો શિવરાજ સરકારના આ મંત્રીમંડળના વિસ્તરણમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથનો દબબદો જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની કમલનાથની સરકાર પડ્યા બાદ શિવરાજસિંહ ચૌહાણે 23 માર્ચ, 2020ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે સમયે કેટલાંક મંત્રીઓનો જ મંત્રીમંડળમાં સમાવેશ કરાયો હતો. ગુરૂવારે કુલ 28 મંત્રીઓએ શપથ લીધા, જેમાં 20 કેબિનેટ મંત્રી અને 8 રાજ્યમંત્રી છે. મંત્રીમંડળમાં સામેલ કરાયેલા મોટા ચહેરાઓ પર નજર નાંખીએ તો, ગોપાલ ભાર્ગવ, વિજય શાહ, યશોધરા રાજે સિંધિયાના નામ મુખ્ય છે.
શિવરાજ સરકારના આ મંત્રીમંડળના વિસ્તરણમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોનો દબદબો જોવા મળ્યો છે. શપથગ્રહણ સમારંભમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સિંધિયાના સમર્થક ધારાસભ્ય તુલસી સિલાવટ અને ગોવિંદસિંહ રાજપૂતને પહેલાં જ શિવરાજ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, કેબિનેટ વિસ્તરણ પહેલાં શિવરાજસિંહ ચૌહાણે દિલ્હીમાં ભાજપના મોવડીમંડળ સાથે આ મામલે ગહન ચર્ચા કરી હતી.
મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 સભ્યો છે. જેના લીધે મહત્તમ 35 નવા મંત્રીઓ બનાવી શકાય છે. 23 માર્ચે જ્યારે શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે માત્ર 6 કેબિનેટ મંત્રીઓને મંત્રીમંડળમાં સામેલ કરાયા હતા. રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ ઘણાં કારણોને લીધે અટકેલું હતું. આ કારણોમાં ભાજપમાં અંદરખાને ચાલી રહેલા પાવર ગેમ અને રાજ્યપાલ લાલજી ટંડનની ખરાબ તબિયત મુખ્ય હતા.

SHARE

Related stories

Latest stories