બારડોલી ખાતે આવેલું ૭૦૦ વર્ષ જુનુ ચમત્કારિક ‘કેદારેશ્વર મહાદેવ’નું શિવાલય શિવ ભક્તોમાં અનોખી આસ્થાનું કેન્દ્ર
ગાંધીજીનું અસ્થિ વિસર્જન કરાયું હતું તેમાંનું એક સ્થળ એટલે કેદારેશ્વર મહાદેવ:
શિવાજી મહારાજ ખલી ગામે બિરાજમાન કેદારેશ્વર મહાદેવ દાદાના દર્શન કરી, પૂજા-અર્ચના કરી ભગવી ધજા ચડાવી સુરત પર ચડાઈ કરતા
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા જ્યોતિર્લીંગ સમાન ૭૦૦ વર્ષ પુરાણું ઐતિહાસિક કેદારેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તોમાંઅનોખી આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સુરત જિલ્લાના બારડોલી નજીક મીઢોળા નદીના કિનારે આવેલ ૭૦૦ વર્ષ પુરાણું ” કેદારેશ્વર મહાદેવ” નું મંદિર આ પવિત્ર યાત્રા ધામની મધ્યે શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હોવાનું કેહવાતું આવ્યું છે.
એક કથા મુજબ બારડોલીના ખલી ગામે મીંઢોળા નદીના કિનારે શ્રી કેદારેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થઈ લોકોના કલ્યાણ હેતુ અહીં બિરાજમાન થયા છે. કેદારેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના આશરે ૭૦૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. અહીં શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હતું. પહેલાં આ વિસ્તાર ગૌચર વિસ્તાર હતો. જ્યાં આસપાસના ગામના પશુપાલકો પોતાના પશુઓ અહીં ચરાવવા આવતા હતા. દરમિયાન એક ગાય દરરોજ એક જ સ્થળે પોતાના દૂધની ધારા વહેડાવી દેતી હતી. જેથી ઘરે ગાય દુધ આપતી નહોતી. આખરે ગોવાળીયાને સપનામાં શિવજીએ આવીને તે સ્થળે ખનન કરી મંદિરની સ્થાપના કરવાનું જણાવ્યું હતું અને આ રીતે કેદારેશ્વર મહાદેવની ખલી ગામે સ્થાપના થઈ હતી.
કેદારેશ્વર મહાદેવનાં મંદિરનું રાજકીય ક્ષેત્રે પણ એક અનેરું મહત્વ છે. રાષ્ટ્રપિતા ગાંધીજીનાં દેહવિલય બાદ આખા ભારતમાં ચાર(૪) અસ્થિ કુંભ વિસર્જિત કરવામાં આવ્યા હતા. જે પૈકી એક અસ્થિકુંભ બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે મોકલવામાં આવ્યો હતો. જે અસ્થિકુંભ ઢોલ નગારાના તાલે ભજન કીર્તન કરતા સાથે નદીના માર્ગથી કેદારેશ્વર મહાદેવ ખાતે લાવી મીંઢોળા નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી.
છત્રપતિ શિવાજી મહારાજે અનેક વખત સુરત પર ચડાઈ કરી હતી. એવી પણ લોકવાયકા છે કે શિવાજી મહારાજ ખલી ગામે બિરાજમાન કેદારેશ્વર મહાદેવ દાદાના દર્શન કરી, પૂજા-અર્ચના કરી ભગવી ધજા ચડાવી સુરત પર ચડાઈ કરતા હતા. છત્રપતિ શિવાજી મહારાજની પણ આ મંદિર સાથે આસ્થા જોડાયેલી હોવાનું માનવામાં આવે છે.
પાંચ ભાઈના એક જ દિવસે દર્શન માત્રથી દરેક મનોકામના પૂર્ણ
કેદારેશ્વર મહાદેવની સાથે અન્ય ચાર મહાદેવનાં સ્વયંભૂ શિવલિંગ જિલ્લામાં બિરાજમાન છે. જે તમામ ભાઈઓ હોવાની પણ લોકોમાં માન્યતા છે. કહેવાય છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં પાંચેય ભાઈઓના દર્શન માત્રથી મનની કોઈ પણ મનોકામના પૂરી થાય છે. કેદારેશ્વર મહાદેવ, કણકેશ્વર મહાદેવ, કપિલેશ્વર મહાદેવ, કદમેંશ્વર મહાદેવ તેમજ કાંતારેશ્વર મહાદેવ એમ પાંચેય ભાઈઓનાં નામ પણ “ક” પરથી શરૂ થાય છે.
ચીનના પ્રવાસીએ પણ આ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો
ચીનના પ્રવાસી હ્યુ-એન-સંગ ભારતના પ્રવાસે નીકળ્યા હતા. દરમિયાન કેદારેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત લેતાં તેઓ મંદિરની પૌરાણિકતા અને પવિત્રતાથી ખૂબ પ્રભાવિત થયા હતા. જેથી તેમણે ભારતના પ્રવાસ દરમિયાન લખેલા પુસ્તકમાં કેદારેશ્વર મહાદેવનો ઉલ્લેખ કર્યો હતો.