કલાબેન ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના સાંસદ તરીકે પેટા ચૂંટણીમાં આ બેઠક જંગી લીડ થી જીત્યા હતા
રાજ્યના પડોશમાં આવેલી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે ચોંકાવનારું નામ જાહેર કર્યું છે. ભાજપે આ વખતે દાદર નગર હવેલી બેઠક પર ઉમેદવાર તરીકે પ્રદેશના વર્તમાન સાંસદ કલાબેન ડેલકર નું નામ જાહેર કરતા જ તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ના ઉત્સાહ નો માહોલ છવાયો છે. કલાબેન ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના સાંસદ તરીકે પેટા ચૂંટણીમાં આ બેઠક જંગી લીડ થી જીત્યા હતા.જોકે હજુ તેઓ શિવસેના છોડી ને વિધિવત રીતે ભાજપ માં જોડાય એ પહેલાંજ ભાજપે તેમને ટિકિટ આપી દેતા પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.જોકે થોડા દિવસ પહેલા કલાબેન તેમના પુત્ર અભિનવ અને પુત્રી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને દિલ્લી ખાતે મળ્યા હતા અને ત્યારથીજ નગરહવેલીના રાજકારણમાં અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું હતું.કલાબેન ડેલકર ભાજપમાથી ચુંટણી લડશે એવી વાતો પણ શરુ થઇ ગઈ હતી.જોકે ભારતીય જનતા પાર્ટીએ બીજું લીસ્ટ જાહેર કર્યું એમાં સ્પષ્ટ થઇ ગયું છે.
આજે કલાબેન ડેલકર અને તેમના પુત્ર અભિનવ ડેલકર જેઓ દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ પ્રમુખ છે. તેઓએ પોતાના નિવાસ્થાન પર તેમના સમર્થકો સાથે એક બેઠક કરી શિવસેના છોડી અને ભાજપમાં જવાના નિર્ણય અંગે સમર્થકોને સાથે ચર્ચા કરી હતી. અને આવનાર સમયમાં તેઓ હવે ભાજપ સાથે ખભે ખભા મિલાવી અને પૂરી તાકાતથી આ વખતે ફરી એક વખત કલાબેન ડેલકરને ચૂંટણી જીતાડવા માટે અપીલ કરી હતી. પોતાના સંબોધનમાં કલાબેન અને અભિનવ એ સમથકોને આ નિર્ણય કેમ લેવો પડ્યો તે અંગે સમજાવવાના પ્રયાસ કર્યા હતા.. સાથે જ પોતાના પર વિશ્વાસ મૂકવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો આભાર માન્યો હતો… આવતીકાલે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે તેવી જાહેરાત પણ કરી હતી. આમ શિવસેનના સાંસદ કલાબેન ડેલકર અને તેમના પુત્ર શિવસેના ના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકર પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં સમર્થકો સાથે સેલવાસના ભાજપના પ્રદેશ કાર્યાલય અટલ ભવન પર પહોંચી અને ભાજપમાં વિધિવત રીતે જોડાશે તેવી જાહેરાત કરી હતી.ડેલકર પરિવારના આ નિર્ણયને તેમના સમર્થકોએ પણ આવકાર્યો હતો.કલાબેન દાદરા નગર હવેલી ના રાજકારણનું સૌથી મોટું નામ એવા સ્વ. મોહન ડેલકરના પત્ની છે. સ્વ મોહન ડેલકર સાત વખત સુધી દાદરા નગર હવેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી અને પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા. જોકે મોહનભાઈ ના અપમૃત્યુ બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં તેમના પત્ની કલાબેન શિવસેનાના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. અને તેમનો 51 હજારથી વધુ મતોની પ્રચંડ લીડ થી દાદરા નગર હવેલી બેઠકના પર વિજય થઈ અને સાંસદ બન્યા હતા. આમ કલાબેન દાદરા નગર હવેલીના સૌ પ્રથમ મહિલા સાંસદ તરીકે ચૂંટાઈ અને ઇતિહાસ રચ્યો હતો. જોકે ચૂંટણી ની તારીખો જાહેર થવાની ઘડીયો વાગી રહી છે એ વખતે જ ભાજપના અન્ય મજબૂત દાવેદારોની જગ્યાએ કલાબેન નું નામ જાહેર થતાં જ પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.જોકે હવે કલાબેન અને અભિનવ ડેલકર ભાજપમાં વિધિવત રીતે જોડાયા બાદ પ્રદેશના રાજકારણમાં શું સમીકરણો બને છે..?? તેના પર સૌની નજર છે.અત્યારે તો અભિનવ અને કલાબેન ડેલકર ભાજપમાં જોડાઈ થઈ ફરી એક વખત આ બેઠક પર જંગી લીડ થી જીતશે તેઓ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.