ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 4 મેચની વનડે સીરીઝ રમાઈ રહી છે. સિરીઝની ત્રીજી મેચમાં બેન સ્ટોક્સે બેટથી તબાહી મચાવી છે. હાલમાં જ પોતાની ODI નિવૃત્તિ બાદ પરત ફરેલા સ્ટોક્સે 6 વર્ષ બાદ ODI ઇનિંગ્સ રમી છે. આ મેચમાં સ્ટોક્સની આક્રમક સ્ટાઈલ જોવા મળી હતી અને તેણે માત્ર 76 બોલમાં સદી ફટકારી હતી પરંતુ તે બેવડી સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો, પરંતુ હવે ઈંગ્લેન્ડ માટે ODIમાં સૌથી વધુ વ્યક્તિગત રન બનાવવાનો રેકોર્ડ તેના નામે નોંધાઈ ગયો છે.
ટ્રેન્ટ બોલ્ટે શરૂઆતી ઝટકો આપ્યો હતો
આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે બોલ વડે ટીમને શાનદાર શરૂઆત અપાવી અને મેચના પહેલા જ બોલ પર જોની બેયરસ્ટોને પેવેલિયન મોકલી દીધો. આ પછી, 13ના સ્કોર પર બોલ્ટે ઇંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો અને રૂટને ડગઆઉટમાં પાછો મોકલ્યો.
બેન સ્ટોક્સે ઇનિંગની કમાન સંભાળી હતી
બેન સ્ટોક્સે ડેવિડ મલાન સાથે મળીને ઈંગ્લેન્ડની ઈનિંગને સંભાળી અને પ્રથમ 10 ઓવરમાં સ્કોર 55 રન સુધી પહોંચાડ્યો. આ પછી, સ્ટોક્સે એક છેડેથી ઝડપી ગતિએ રન બનાવવાનું ચાલુ રાખ્યું. સ્ટોક્સે માલન સાથે ત્રીજી વિકેટ માટે 199 રનની ભાગીદારી કરી હતી. માલન આ મેચમાં 95 બોલમાં 96 રન બનાવીને આઉટ થયો હતો.