મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોટો દાવો કર્યો છે કે રામ મંદિરના ઉદ્ઘાટન સમયે ગોધરા જેવી ઘટના બની શકે છે. જલંગાવમાં જનસભાને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકાર અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે મોટી સંખ્યામાં લોકોને બસ અને ટ્રકમાં બોલાવી શકે છે. પરંતુ જ્યારે તેઓ પરત ફરશે ત્યારે તેમની સાથે ગોધરા જેવી ઘટના બની શકે છે.ભાજપ-આરએસએસ પાસે પોતાના પ્રતીક નથી.
ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમની પાસે એવા પ્રતીક નથી કે જેને લોકો પોતાનો આદર્શ માની શકે. જેના કારણે તેઓ સરદાર પટેલ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોને અપનાવી રહ્યા છે. શિવસેના (યુબીટી)ના વડાએ કહ્યું કે ભાજપ-આરએસએસના લોકો તેમના પિતા બાળ ઠાકરેના વારસાનો દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમની પોતાની સિદ્ધિઓ નથી
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પોતાની કોઈ સિદ્ધિઓ નથી. તેમણે કહ્યું કે સરદાર પટેલની પ્રતિમાનું કદ મહત્વનું નથી, પરંતુ તેમની સિદ્ધિઓ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના કેવડિયામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર છે અને તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે આ લોકો (ભાજપ-આરએસએસ) સરદાર પટેલની મહાનતા પ્રાપ્ત કરવાની ક્યાંય નજીક નથી.