INDIA NEWS GUJARAT :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતીય ગૌરવ દિવસનાં પ્રસંગે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો તથા બિહારનાં જમુઇમાં આશરે રૂ. 6,640 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને ઉદઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓને આવકાર્યા હતા, જેઓ ભારતનાં વિવિધ જિલ્લાઓમાં આદિવાસી દિવસનાં સમારંભમાં સહભાગી થયાં હતાં. તેમણે ભારતભરમાંથી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયેલા અસંખ્ય આદિવાસી ભાઈઓ અને બહેનોનું પણ સ્વાગત કર્યું હતું.
આજના દિવસને ખૂબ જ પવિત્ર દિવસ ગણાવતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કાર્તિક પૂર્ણિમા, દેવ દિવાળી તેમજ શ્રી ગુરુ નાનક દેવજીની 550મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે અને આ માટે તેમણે ભારતનાં નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ નાગરિકો માટે પણ ઐતિહાસિક છે, કારણ કે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તેમણે ભારતના નાગરિકો અને ખાસ કરીને આદિવાસી ભાઈઓ અને બહેનોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જમુઇમાં છેલ્લાં 3 દિવસમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આજનાં જનજાતીય ગૌરવ દિવસનાં પુરોગામી સ્વરૂપે હતું. તેમણે વહીવટીતંત્ર, જમુઇના નાગરિકો અને ખાસ કરીને મહિલા લોક જેવા વિવિધ હિતધારકોને સ્વચ્છતા અભિયાન માટે અભિનંદન પાઠવ્યા હતા.
ગયા વર્ષે જનજાતીય ગૌરવ દિવસ પર તેઓ ધરતી આભા બિરસા મુંડાના જન્મ ગામ ઉલીહાટુમાં હતા તે યાદ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ વર્ષે તેઓ શહીદ તિલ્કા માંઝીની બહાદુરીના સાક્ષી બન્યા હતા અને ઉમેર્યું હતું કે, આ પ્રસંગ વધુ વિશેષ છે કારણ કે દેશ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, આ ઉજવણી આગામી વર્ષ સુધી ચાલશે. પ્રધાનમંત્રીએ બિહારનાં જમુઈમાં આજનાં કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થયેલા વિવિધ ગામડાઓમાંથી એક કરોડ લોકોને પણ અભિનંદન આપ્યાં હતાં. શ્રી મોદીએ કહ્યું હતું કે, તેઓ આજે બિરસા મુંડા, શ્રી બુદ્ધારામ મુંડા અને સિદ્ધુ કાન્હુનાં વંશજ શ્રી મંડલ મુર્મુનું સ્વાગત કરતાં આનંદ અનુભવે છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે રૂ. 6640 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ પરિયોજનાઓમાં આદિજાતિ બાળકોના ભવિષ્યની સુધારણા માટે આદિવાસીઓ માટે પાકા મકાનો, શાળાઓ અને છાત્રાલયો, આદિજાતિ મહિલાઓ માટે આરોગ્ય સુવિધાઓ, આદિજાતિ વિસ્તારોને જોડતા માર્ગ પ્રોજેક્ટ્સ, આદિજાતિ સંગ્રહાલયો અને આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ માટે સંશોધન કેન્દ્રો માટે આશરે 1.5 લાખ મંજૂરી પત્રોનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, દેવ દિવાળીનાં શુભ પ્રસંગે આદિવાસીઓ માટે નિર્મિત 11,000 આવાસનો ગૃહપ્રવેશ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે તમામ આદિવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓને પણ મંજૂરી આપી હતી, જેમાં પ્રધાનમંત્રી જનમાન અંતર્ગત આશરે રૂ. 500 કરોડનાં મૂલ્યનાં 25,000 નવા આવાસ અને રૂ. 1960 કરોડથી વધારેનાં મૂલ્યનાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DAJGUA) અંતર્ગત 1.16 લાખ આવાસ સામેલ છે. પ્રધાનમંત્રી જનમાન હેઠળ 66 છાત્રાલયો અને DAJGUA હેઠળ 304 છાત્રાલયોનું મૂલ્ય રૂ. 1100 કરોડથી વધારે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારનાં જમુઈની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવા માટે બિહારનાં જમુઈની મુલાકાત લીધી હતી, જેનાં પ્રસંગે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો શુભારંભ થયો હતો. પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાના સન્માનમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કર્યું હતું. તેમણે આદિવાસી સમુદાયોનું ઉત્થાન કરવા અને આ વિસ્તારના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશ સાથે રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યું હતું.
પ્રધાનમંત્રી જનમાન અંતર્ગત 50 નવા બહુહેતુક કેન્દ્રો, 55 મોબાઇલ મેડિકલ એકમો અને 65 આંગણવાડી કેન્દ્રો; સિકલ સેલ એનિમિયા નાબૂદી માટે 6 સક્ષમતા કેન્દ્રો તેમજ DAJGUA હેઠળ આશરે રૂ. 500 કરોડનાં મૂલ્યની આશ્રમ શાળાઓ, છાત્રાલયો, સરકારી રહેણાંક શાળાઓનાં અપગ્રેડેશન માટે 330 પ્રોજેક્ટની સાથે-સાથે 6 સક્ષમતા કેન્દ્રો સામેલ છે.