એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીથી થયા ધડાકા
સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું હતું.આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ઉતારી લેવામાં આવ્યો.
એક્સપ્લોઝિવ કંટ્રોલ બ્લાસ્ટ સિસ્ટમ શું છે?
આ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી.
ડિમોલિશન માટે 220 કિલો જેટલા એક્સપ્લોઝિવનો ઉપયોગ
આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર છે અને તેના 72 જેટલા પિલર આવેલા છે. પિલરમાં હોલ કરવામાં આવે છે અને તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવે છે. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવે છે અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવે છે.
ગુજરાતમાં કુલિંગ ટાવર ઉતારવાની આ બીજી ઘટના
કૈલાસ મેટલ કોર્પોરેશન કંપનીના સાઈડ ઇન્ચાર્જ પદમગીરી ગોસ્વામીએ જણાવ્યું કે કુલિંગ ટાવરના જે 72 જેટલા પિલરો છે એ પિલરોની અંદર એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવ્યા છે. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અમને આ એક્સપ્લોઝિવ પૂરા પાડવામાં આવ્યાં છે. પ્રવાહી પદાર્થમાં આ એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવે છે અને ત્યારબાદ રિમોટ કંટ્રોલ દ્વારા તેને બ્લાસ્ટ કરાયો.માત્ર 2-5 સેકન્ડમાં જ આ વિશાળ કુલિંગ ટાવર ઉતારી લેવાયો.ગુજરાતમાં અગાઉ ગાંધીનગર ખાતે કુલિંગ ટાવર ઉતારવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આ બીજી ઘટના છે જેમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કુલિંગ ટાવર ઉતારી દેવામાં આવ્યો
આ પણ વાંચો : Amritpal Singh Case:અમેરિકામાં ખાલિસ્તાનીઓ ગુસ્સે ભરાયા, ભારતીય દૂતાવાસ પર હુમલો – INDIA NEWS GUJARAT