વડોદરાના ખાનપુરમાં ફરી લોકડાઉન, લોકોમાં ભયનો માહોલ
રાજ્યમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે ખાનપુર ગામમાં એક જ સપ્તાહમાં કોરોનાના 47 પોઝિટીવ કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અચાનક આટલાં કેસ નોંધાતા ગામમાં સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નાનકડા ગામમાં કેસનો રાફડો ફાટતાં જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. નાનકડાં ગામમાં કોરોનાનો વિસ્ફોટ થતાં અહીંના લોકોમાં ફફડાટનો માહોલ ઉદભવ્યો છે. અને ગામના પટેલ ફળિયામાં જ 35થી વધુ કેસ મળી આવ્યાં છે. જેથી સમગ્ર ગામને 31મી માર્ચ સુધી સ્વયંભૂ રીતે સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. એક વર્ષ પછી ફરી લોકડાઉનને લઈને લોકોમાં હાહાકાર સાથે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
તંત્ર દોડતું થયું, આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે શરૂ
વડોદરાના ખાનપુર ગામમાં કોરોનાનો વિસ્ફોટ થતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો પણ દોડતી થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. અને જરૂરી દવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. ગામના લોકોમાં ડરનો માહોલ હોવાથી તથા વધુ કેસ ન આવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.અને ગામના લોકો દ્વારા જ સ્વયંભૂ લોકડાઉનનુ પાલન કરવામાં આવી રહ્યું છે. અને ગામને કોરોનામુક્ત બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.