ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું, કેસમાં ચિંતાજનક વધારો
ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતિ રોજ વણસી રહી છે. કોરોનાના રોજ નવાં આંકડાઓમાં ઉત્તરો-ઉત્તર વધારો થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના કેસોમાં અધધ વધારો થઈ રહ્યો છે. ઉપરાંત સ્ટેડિયમમાં મેચ જોવા પ્રેક્ષકોની જામેલી ભીડ બાદ કોરોના વકર્યો છે. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદ અને સુરતમાં કોરોનાએ માઝા મૂકી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
6 મહિના બાદ કોરોનાએ ઉથલો માર્યો, 24 કલાકમાં 1276 નવાં કેસ નોંધાયા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 161 દિવસ એટલે કે 6 મહિના બાદ ગુજરાતમાં 1276 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.અગાઉ 8 ઓક્ટોબરે 1278 કેસ નોઁધાયા હતા.જ્યારે 899 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં 1 મળી કુલ 3 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,433 થયો છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 96.42 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 26 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 5 હજારને પાર કરી ગયો છે અને હાલ 5584 એક્ટિવ કેસ છે. રાજ્યમાં 25 જાન્યુઆરી બાદ સતત બીજીવાર 3 મોત નોંધાયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨ લોકોના મૃત્યુ થયાં હતા, જ્યારે સુરતમાં ૧ એમ ૩ વ્યક્તિના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક અમદાવાદમાં ૨,૩૨૮ જ્યારે સુરતમાં ૯૮૧ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૨૬૬, અમદાવાદમાંથી ૨૫૫, વડોદરામાંથી ૧૨૧, રાજકોટમાંથી ૭૭ એમ રાજ્યભરમાંથી ૮૯૯ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધી ૨,૭૨,૩૩૧ દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર ૯૬.૪૨% છે. બુધવારે વધુ ૫૮,૩૩૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેની સાથે જ કુલ ટેસ્ટનો આંક ૧.૨૪ કરોડ છે.