સુરત ખાતે રાજયકક્ષાની ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણીના ભાગરૂપે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના યોગદિનની ઉજવણી સુરતમાં થશે.
સુરતથી અગ્ર સચિવ અશ્વિનીકુમાર સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં જોડાયા હતા.
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-18-at-4.46.41-PM-1024x682.jpeg)
આગામી ૨૧ જૂન- ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની સુરત ખાતે થનાર રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતેથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં રમત ગમત, યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર, પોલીસ કમિશનર અજયકુમાર તોમર, ઈ.કલેક્ટર બી.કે.વસાવા, મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. સંઘવીએ વિડીયો કોન્ફરન્સ મારફતે જિલ્લાના અધિકારીઓને યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે વિગતવાર એક્શન પ્લાન રજૂ કરવા જણાવ્યું હતું.
ઈ-માધ્યમથી ગૃહ મંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાના યોગદિનની ઉજવણી સુરતના ડુમસ રોડ પર આવેલા વી.આર.મોલ પાસેના વાય જંક્શન ઉપર થશે, આ કાર્યક્રમમાં ૧.૨૫ લાખથી વધુ લોકો સહભાગી થશે. જે માટે પાર્કિંગ, બેસવા, ટ્રાફિક ડાઈવર્ઝન જેવી વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. યોગાભ્યાસમાં વધુને વધુ લોકો જોડાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં ગૃહમંત્રીએ ‘યોગ દિન’ની ઉજવણીમાં સૌ કોઈ સહભાગી બને તે માટે સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરી બહોળા પ્રમાણમાં યોગ દિનનો પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું.
નોંધનીય છે કે, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ,ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ,જીઆઈડીસી, સુરત મહાનગર પાલિકા અને યોગ બોર્ડમાંથી વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, જિલ્લા શિક્ષણાધિકારી દિપક દરજી અને વિવિધ વિભાગના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-18-at-4.46.42-PM-1-1024x682.jpeg)
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-18-at-4.46.42-PM-1024x682.jpeg)
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-18-at-4.46.43-PM-1024x682.jpeg)