HomeGujaratWorld Breastfeeding Week : ‘તા.૧ થી ૭ ઓગષ્ટ: વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની પૂર્ણાહુતિ...

World Breastfeeding Week : ‘તા.૧ થી ૭ ઓગષ્ટ: વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની પૂર્ણાહુતિ : INDIA NEWS GUJARAT

Date:

‘તા.૧ થી ૭ ઓગષ્ટ: વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની પૂર્ણાહુતિ

નવજાત શિશુઓ માટે નવી સિવિલ હોસ્પિટલની ‘અમૃત્ત’ સમાન ‘હ્યુમન મિલ્ક બેંક’: દર મહિને અંદાજિત ૩૦ લિટર બ્રેસ્ટમિલ્ક એકત્ર થાય છે

‘હ્યુમન મિલ્ક બેંક’માં જુલાઇ ૨૦૨૪ સુધી ૮૦૪૮ માતાઓ દ્વારા કુલ ૧૨.૩૦ લાખ મિ.લી ‘દૂધદાન’

બીમાર પ્રસુતા માતા, તરછોડાયેલ બાળક, શિશુના જન્મ સમયે માતાઓને દુધ ન આવવવું, પ્રિમેચ્યોર ડિલીવરી જેવા કિસ્સામાં નવજાત શિશુ માટે સંગ્રહ કરેલું ધાવણ પ્રાણરક્ષક

વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે અને બાળકોનું સ્વાસ્થ્ય વધુને વધુ સુદ્રઢ બને તે માટે જાગૃતિ લાવવા વર્ષ ૧૯૯૨થી ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યભરમાં દર વર્ષે તા.૧થી ૭ ઓગષ્ટ દરમિયાન દર વર્ષે વિવિધ થીમ હેઠળ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘અંતર ઘટાડીએ: સ્તનપાન માટે સહયોગ આપીએ’ છે.
વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત શિશુઓની માતાઓને એકત્ર કરી તેમને બાળક તેમજ માતાના સ્વાસ્થ્ય માટે અમૃત સમા માતાના દૂધનું મહત્વ જણાવી હ્યુમન મિલ્ક ડોનેશન વિષે પણ સમજ અપાઈ હતી. જેમાં તા.૧ થી ૬ ઓગષ્ટ દરમિયાન ૪૪ માતાઓએ ૬૨૮૦ મિ.લી દૂધદાન આપ્યું હતું.
જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ઘટે તેવા આશયથી વર્ષ ૨૦૧૯થી સિવિલ હોસ્પિટલમાં ‘હ્યુમન મિલ્ક બેંક’ કાર્યરત છે. જેમાં એકત્ર કરાયેલા દૂધને નિયત રિપોર્ટ દ્વારા સુરક્ષિત જાહેર કરાયા બાદ પ્રોસેસ કરી સંગ્રહવામાં આવે છે. અને જરૂરિયાતમંદ નવજાત બાળકોને આપવામાં આવે છે.

કઈ ધાત્રી માતાઓનું દૂધ લેવામાં આવે?
. . . . . . . . . . . . . . .
એવી સગર્ભા મહિલાઓ કે જેમને પ્રસૂતિ બાદ જરૂર કરતાં વધારે દૂધ આવતું હોય તેઓને યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા માતાના ધાવણનું મહત્વ સમજાવી વધારાનું દૂધ દાન કરવા પ્રેરણા આપવામાં આવે છે. મિલ્ક ડોનેટ કરવા ઇચ્છુક માતાઓને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડના રિપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રિપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દુધ હ્યુમન મિલ્ક બેંક ખાતે બ્રેસ્ટ પંપ દ્વારા કે મેન્યુઅલી કાઢવામાં આવે છે.

દાન કરેલા બ્રેસ્ટમિલ્કનો સંગ્રહ:
. . . . . . . . . . . . . . .

ડોનેટ કરેલા દુધને પેસ્ચ્યુરાઈઝ્ડ કરી તેનુ રેપિડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ લઈને માઈક્રો બાયોલોજી ડિપાર્ટમન્ટમાં રિપોર્ટ માટે મોકલવામાં આવે છે. દુધનો રિપોર્ટ સંતોષજનક આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં -૨૦ડિગ્રી સે. તાપમાને ૬ મહિના સુધી સંગ્રહ કરવામાં આવે છે.

કયા નવજાત શિશુને ડોનેટેડ મિલ્ક આપવામાં આવે છે?
. . . . . . . . . . . . . . .

તરછોડાયેલા બાળક, અમુક માતાઓને બાળકના જન્મ સમયે દુધ ન આવવાની સમસ્યા રહેતી હોય, પ્રિમેચ્યોર ડિલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવું, તેમજ સંજોગોવશાત નવજાત શિશુને હોસ્પિટલ લાવવામાં આવ્યુ હોય, માતા બીમાર હોય; આવા દરેક કપરા સમયે બાળકના માતા-પિતા અને પરિવારજનો અને નવજાત શિશુ માટે સંગ્રહ કરેલું ધાવણ પ્રાણરક્ષક સાબિત થાય છે.
નોંધનીય છે કે, સિવિલની આધુનિક હ્યુમન મિલ્ક બેંકમાં જુલાઇ ૨૦૨૪ સુધીમાં ૮૦૪૮ માતાઓ દ્વારા ૧૨,૩૦,૮૯૧ મિ.લી. દૂધ એકત્ર થયું છે. તેમજ કુલ ૭૬૩૮ શિશુઓને ૧૧,૭૯,૬૪૩ મિ.લી. દૂધ દાન કરાયું છે.
હ્યુમન મિલ્ક બેંકમાં બાળરોગના નિષ્ણાંત જિગીષાબેન શાહ અને અન્ય તબીબો, હેડ નર્સ શિલાબેન ખલાસી, સ્ટાફ નર્સ વેશાલી ટંડેલ સહિતની ટીમ દ્વારા અનેક બાળકોને ‘દુગ્ધદાન’થી નવજીવન મળ્યું છે.
–૦૦–
સ્તનપાનનું મહત્વ:
. . . . . . . . . . . .

માતાના દૂધમાં સૌથી વધુ પોષક તત્વો હોય છે, અને તે સરળતાથી બાળકને પચી જાય છે. તેમાં રહેલું કોલેસ્ટ્રોલ બાળકને ઘણી બિમારીઓથી બચાવવામાં સક્ષમ હોય છે. માતાના દૂધમાં ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન, એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ઝાઇમ અને મિનરલ્સ વગેરે મળી આવે છે. સ્તનપાનથી બાળકનું આઈક્યુ લેવલ વધે છે. તે મગજના સતેજ બનાવી મસ્તિષ્કના વિકાસને પ્રોત્સાહન આપે છે.

સ્તનપાન અંગે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો
. . . . . . . . . . . . .

સ્તનપાન કરાવતાં પહેલાં દર વખતે માતાએ પોતાના હાથ સાબુથી ધોઈને સ્વચ્છ કરવા આવશ્યક છે. દર વખતે સ્તન અને બ્રેસ્ટની નિપલ પણ બરાબર સ્વચ્છ કરવાં જોઈએ. ઘણી માતાઓ પથારીમાં સૂતાં સૂતાં બાળકને સ્તનપાન કરાવે છે. આ આદત અત્યંત જોખમી છે. જો થાકના કારણે માતાને ઊંઘ આવી જાય તો કોમળ બાળક સ્તનની નીચે દબાઈને ગૂંગળાઈ જશે અને એનો શ્વાસ રૂંધાઈ જશે. આવું બનવાથી બાળકનું મૃત્યુ થવાનાં ઉદાહરણો લગભગ ઘણા ડોક્ટરોએ જોયાં જ છે. રાત્રે સ્તનપાન કરાવવાની જરૂર પડે તો પણ માતાએ બેસીને પછી જ બાળકનું પેટ ભરાવવું જોઈએ. જો માતા સ્તનપાન કરાવતાં પહેલાં દર વખતે થોડુંક પ્રવાહી લે (પાણી,ફળોનો રસ કે દૂધ) તો ધાવણનું પ્રમાણ વધે છે. સ્તનપાન કરાવતી માતાને ખૂબ વધુ પ્રમાણમાં પ્રવાહીની જરૂર પડે છે. દરેક માતાનું પૂરે પૂરૂ ધ્યાન સ્તનપાન કરાવતી વખતે એના બાળકમાં જ હોવું જોઈએ.
સ્તનપાન કરાવી રહ્યાં હોય ત્યારે ચોપડી વાંચવી, ટીવી જોવું કે મોબાઇલ ફોન પર વાતો કરવી એ હિતાવહ નથી. આવું કરવાથી બાળકનું મોં અને નાક દબાઈ જવાથી, શ્વાસ રુંધાઈ જવાથી અઘટિત અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. સ્તનપાન બાદ માતાએ બાળકને એના ખભા પર પાંચ-દસ મિનિટ સુધી ઊભું રાખીને હળવેથી એની પીઠ થપથપાવવી જોઈએ. બાળક એકાદ ઓડકાર ખાય પછી જ એને સુવડાવવું જોઈએ. આવું કરવાથી બાળકને ઊલટી નહીં થાય.

SHARE

Related stories

Tree Ganesha : દસ દિવસ લાંબુ પર્યાવરણ જાગૃતિ અભિયાન : INDIA NEWS GUJARAT

ટ્રી ગણેશા : ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ચલાવવામાં આવતું દસ...

International Luxury Brand Styliston : ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો : INDIA NEWS GUJARAT

ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો વેસુ...

Latest stories