'World Blood Donor' Day
તા.૧૪ જૂન: ‘વિશ્વ રક્તદાતા’ દિવસ
૨૫ વખત રક્તદાન અને ૨૪૦ વાર સિંગલ ડોનર પ્લાઝમા આપી ચૂક્યા છે રક્તદાતા હસમુખભાઈ કોઠીયા
જીવનમાં ૧૨૧ વખત રક્તદાન કરનાર સુરતના ૬૧ વર્ષીય રક્તદાતા ડો.મુકેશભાઈ નાવડીયા
કમાવવું અને તે સમાજના હિત માટે દાન કરવું એ સુરતીઓની તાસીર છે: સુરતવાસીઓ રક્તદાનમાં પણ અગ્રસ્થાને રહે છે: રક્તદાતા ડો.મુકેશભાઈ નાવડીયા
માનવદેહમાં રહેલું લાલ પ્રવાહી દુનિયાની કોઈ કંપનીમાં નથી બની શકતું: રક્તદાતા હસમુખભાઈ કોઠીયા
‘રક્ત આપો, પ્લાઝમા આપો, જીવન આપો અને વાંરવાર આપો’ની થીમ આધારિત ‘વિશ્વ રક્તદાતા’ દિવસ: ૨૦૨૩
સૂર્ય પુત્રી તાપી નદીની ગોદમાં વસેલુ અને દાનવીર કર્ણની ભૂમિની ઓળખ ધરાવતા સુરતના રહેવાસીઓની તાસીર જ કંઈ જૂદી છે. ખાન-પાનના શોખીનો કંઈક આપવાની વાત આવે, સમાજ માટે કરી છૂટવાની તક આવે ત્યારે સુરતીઓ આર્થિક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રમાં દાનની સરવાણી વહાવે છે, તેમાય અંગદાન અને રક્તદાનમાં પણ હવે સુરતીઓ અગ્રેસર બન્યા છે. સુરતના રક્તદાતાઓના અવિરત પ્રવાહથી દરેક જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે છે.
આ વર્ષે તા.૧૪મી જૂને ‘રક્ત આપો,પ્લાઝમા આપો, જીવન આપો અને વાંરવાર આપો’ની થીમ આધારિત ‘વિશ્વ રક્તદાતા’ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના B +ve બ્લડ ગ્રુપ ધરાવતા હસમુખભાઈ કોઠીયા પોતાના જીવનવ્યવહારમાં ‘બી પોઝિટિવ’ રહીને ૨૪૦ વખત સિંગલ ડોનર પ્લાઝમા દાન કરીને સમાજને એક નવી રાહ ચીંધી છે, જ્યારે ૬૧ વર્ષીય રક્તદાતા ડો.મુકેશભાઈ નાવડીયા અત્યાર સુધી ૧૨૧ વખત રક્તદાન કરી ચૂક્યા છે.
૧૨૧ વખત રક્તદાન કરનાર સુરતના ૬૧ વર્ષીય રક્તદાતા ડો.મુકેશભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે, ૧૯૮૧માં વરાછાની હોસ્પિટલમાં ઈન્ટર્ન તરીકે નોકરી કરતો હતો, ત્યારે એક પ્રસૂતા મહિલાને ડિલીવરી વખતે લોહીની સખ્ત જરૂર પડી હતી, તે જમાનામાં પરિવારજનો ચિંતિત હતા કે લોહી ક્યાંથી લાવીશું. મારૂ અને પ્રસૂતા મહિલાનું બ્લડ ગ્રુપ એક જ હતું, એટલે જાતે જ બ્લડ ડોનેટ કરીને સૌ પ્રથમવાર રક્તદાન કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી ૧૨૧ વખત રક્તદાન કર્યું છે. મારા ૬૧ વર્ષના જીવનકાળમાં રક્તદાન કર્યા પછી શરીરમાં ભાંગતૂટ સિવાય ક્યારેય કોઈ ગંભીર બિમારીથી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય તેવું નથી બન્યું. શરીરના દૂષિત રક્તને શરીરમાંથી બહાર કાઢવામાં આયુર્વેદ ચિકિત્સાના ભાગરૂપે ”જળો ચિકિત્સા’નો ઉપયોગ કરવામાં આવતો, પણ અત્યારે શરીરમાં રહેલા લોહીને શુદ્ધ કરવા એટલે નવું બનાવવાનો એક માત્ર ઉપાય એ ‘રક્તદાન’ છે. મેં સપને પણ નહોતું વિચાર્યું કે જીવનમાં સંખ્યાબંધ સન્માન સાથે એવોર્ડ મળશે, મને રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી તથા સચિવોના હસ્તે એવોર્ડ પણ મળ્યા છે.
કમાવવું અને તે સમાજના હિત માટે દાન કરવું એ સુરતીઓની તાસીર છે. સુરતવાસીઓ રક્તદાનમાં પણ અગ્રસ્થાને રહે છે એમ જણાવતા ડો. નાવડીયાએ ઉમેર્યું કે, રક્તદાન કરવાના બે ફાયદા છે. એક તો રક્તદાન કરવાથી શરીરની ઈમ્યુનિટી વધશે અને બીજુ દર ત્રણ મહિને લોહીનો રિપોર્ટ પણ થતો રહેશે. એટલે આપણા શરીરની સમયાંતરે તપાસ થતી પણ રહેશે. શહેરમાં અવાર-નવાર થતા વિવિધ રક્તદાન કેમ્પમાંથી એકત્ર થતા લોહીથી અનેક જરૂરતમંદ લોકોની જિંદગી હસતી રહે તેવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યાં છે તેમાં આપણું પણ યોગદાન બનતું રહે તે માટે હંમેશા રક્તદાન કરતા રહીએ.
મૂળ અમરેલીના અને વર્ષોથી વરાછા વિસ્તારમાં સ્થાયી થયેલ અન્ય એક સેવાભાવી એવા ૫૩ વર્ષીય રક્તદાતા હસમુખભાઈ કોઠીયાએ રક્તદાનથી અનેરી ખુશી મળે છે એમ જણાવી ઉમેર્યું કે, વર્ષ ૨૦૦૪માં એલઆઈસીની પોલિસી લેવા માટે બ્લડ રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે રક્તકણોનું પ્રમાણ ખૂબ જ સારુ છે. તે સમયે ડેન્ગ્યુના દર્દીઓને આ રક્તકણોની ખૂબ જરૂર રહેતી હતી. ત્યારે એ જ સમયે હોસ્પિટલમાં દાખલ એક બાળકને રક્તકણની જરૂર હતી તે જાણવા મળ્યું. જેથી સુરત રક્તદાન કેન્દ્રમાં સૌ પ્રથમ વાર સિંગલ ડોનર પ્લાઝમા ડોનેટ કરીને જીવનમાં કંઈક આપવાની શરૂઆત કરી હતી. મારૂ બ્લડ ગ્રુપ પણ B +VE છે, એટલે સૌ કહે છે કે તમારૂ જેવું બ્લડ ગ્રુપ છે, જીવનવ્યવહારમાં પણ તમે ‘બી પોઝિટીવ’ રહીને રક્તદાન કરો છો, એટલે જ અત્યાર સુધીમાં ૨૫ વખત રક્તદાન અને ૨૩૯ વાર સિંગલ ડોનર પ્લાઝમા સુરતની જુદી જુદી બ્લડ બેન્કમાં ડોનેટ કર્યું છે. હું દર મહિને બે થી ત્રણ વખત સિંગલ ડોનર પ્લાઝમા ડોનેટ કરું છું. માનવદેહમાં રહેલું લાલ પ્રવાહી દુનિયાની કોઈ કંપનીમાં ઉત્પાદિત નથી થઈ શકતું. એટલે કુદરતે માનવજાતને જે વિનામૂલ્યે આપ્યું છે તેને આપણે પણ અન્ય માટે આપી જીવનમાં પૂણ્યકાર્ય હંમેશા કરતું રહેવું જોઈએ મારા રક્તદાનથી પ્રેરિત થઈને પુત્ર તેમજ સગાસબંધીઓ પણ આ રક્તદાન અભિયાનમાં જોડાયા તેનો અનેરા આનંદ થાય છે.
નવી સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના ઈન્ચાર્જ ડો.જિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિવિધ ઔદ્યોગિક એકમો, પોલીસ વિભાગ તથા સમાજના જાગૃત રક્તદાતાઓના સહયોગથી રક્તની જરૂરિયાતને પહોંચી વળવામાં સફળતા મળે છે. સમયાંતરે નાના નાના રક્તદાન કેમ્પ વધુ થાય તો બ્લડ બેન્કમાં રક્તની અછત વર્તાશે નહી. જરૂરિયાતમંદ દરેક દર્દીઓને રક્ત મળી રહે તેવું સુચારૂ આયોજન કરીએ છીએ. છેલ્લા બે વર્ષમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં ૨૦ હજારથી વધુ રક્તદાતાઓ રક્તદાન કરીને દર્દીઓની વ્હારે આવ્યા છે.
મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્કના ઈન્ચાર્જ ડો.અંકિતાબેન શાહે જણાવ્યું હતું કે, સુરતના જાગૃત નાગરિકો અને વિવિધ ડાયમંડ-ટેક્સટાઈલ કંપનીઓના અને સામાજિક અગ્રણીઓના સહયોગથી થતા નાના મોટા રક્તદાન કેમ્પથી છેલ્લા ત્રણ વર્ષમાં ૩૩,૦૦૦ થી વધુ યુનિટ રક્ત ડોનેટ થયું છે. દર્દીઓની જરૂરિયાત મુજબ સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્કમાંથી રક્ત મળી રહે છે.
બ્લડ ગ્રુપ સિસ્ટમથી દુનિયાને માહિતગાર કરનાર નોબેલ પ્રાઈઝ વિજેતા કાર્લ લેન્ડસ્ટેનરના જન્મદિવસને વિશ્વ રક્તદાતા દિવસ રૂપે ઉજવવામાં આવે છે
. . . . . . . . . . . . . . . .
રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે તા.૧૪ મી જૂને ‘વિશ્વ રક્તદાતા’ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ દર્દીઓને સમયસર બ્લડ ઉપલબ્ધ કરવાનો છે. જો બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે તો લોહીની ઉણપને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે નહીં અને કેટલાય લોકોને જીવનદાન મળી શકશે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને વર્ષ ૨૦૦૪થી લોકોને રક્ત આપીને નવું જીવનદાન કરતા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા અને તેમનું મહત્વ વધારવા માટે દર વર્ષે ૧૪ જૂને કાર્લ લેન્ડસ્ટેનરના જન્મદિવસે વિશ્વભરમાં રક્તદાતા દિવસરૂપે મનાવવામાં આવે છે. કાર્લ લેન્ડસ્ટેનર એ જ વૈજ્ઞાનિક છે જેમણે બ્લડ ગ્રુપ સિસ્ટમથી દુનિયાને માહિતગાર કર્યા હતા. બ્લડ ગ્રુપ વિશે માહિતી મેળવવા માટે કાર્લ લેન્ડસ્ટેનરને વર્ષ ૧૯૩૦માં નબેબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ ૧૪ જૂને થયો હતો, તેમના જ સન્માનમાં તેમના જન્મદિવસે રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.