સુરતના વિવિધ ઝોન વિસ્તારમાં SMC દ્વારા બ્રિજ અને હાઈડ્રોલિક વિભાગના અંદાજિત રૂ.૨૩૦.૫૦ કરોડના ખર્ચે સાકારિત થનારા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
‘સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે’
‘ભાવિ આયોજન અંતર્ગત શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એવી સુદ્રઢ વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરાઈ છે :કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ
‘ઔદ્યોગિક હબ સમા સુરતમાં પ્રતિદિન વધી રહેલી વસ્તીને પરિણામે બનવા જઈ રહેલા ત્રણેય બ્રિજ નિયમિત પરિવહન કરતાં લોકો માટે આશીર્વાદરૂપ બનશે: મેયર દક્ષેશભાઈ માવાણી’
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ગોડાદરા ખાતે સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત રૂ.૨૩૦.૫૦ કરોડના ખર્ચે સાકારિત થનારા વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરાયું હતું. જેમાં રૂ.૯૬.૬૦ કરોડમાં ગોડાદરાની માનસરોવર સોસાયટી પાસેનો રેલવે ઓવરબ્રિજ, રૂ.૧૬.૪૩ કરોડમાં હીરાબાગ પાસે વરાછા મેઈનરોડ પરના ફ્લાય ઓવરબ્રિજને જોડતો રેમ્પ, રૂ. ૩૯.૩૬ કરોડમાં એપીએમસી માર્કેટ પાસેનો ફ્લાય ઓવરબ્રિજ તેમજ રૂ.૧૯.૫૨ કરોડમાં હાઇડ્રોલિક વિભાગના કાર્યો મળી કુલ રૂ. ૧૭૧. ૯૧ કરોડના કાર્યો તેમજ અન્ય કાર્યો સહિત રૂ.૨૩૦.૫૦ કરોડના વિકાસ કાર્યો સામેલ છે. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતવાસીઓને રૂ.૨૩૦.૫૦ કરોડના નવા પ્રકલ્પોની ભેટ આપતા કેન્દ્રીય મંત્રએ લોકોની તાતી જરૂરિયાતોને પૂર્ણ કરવાં અગ્રેસર મહાનગરપાલિકા તંત્રની સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે. એક સમયે સ્વચ્છતા માટે ટીકાપાત્ર સુરત શહેર આજે સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે ઉભર્યું છે. અને એ જ રીતે અન્ય ક્ષેત્રોમાં પણ લીડ મેળવી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ભાવિ આયોજન અંતર્ગત શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એવી સુદ્રઢ વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરાઈ છે. તેમણે કહ્યું કે, દસ લાખ ક્યુસેક પાણી પણ જો આવે તો સુરતમાં ક્યારેય પુરની સ્થિતિ ઊભી ન થાય તેવી દીર્ઘદ્રષ્ટિથી સાથે તંત્ર આગળ વધી રહ્યું છે.
વધુમાં મંત્રીએ પ્રધાનમંત્રી ‘કેચ ધ રેઇન’ અભિયાન હેઠળ જળસંચયના હેતુથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા ભારપૂર્વક જણાવ્યું હતું. વરસાદી પાણીનો વ્યય ના થાય અને તેનો કુશળતાપૂર્વક સંચય કરવામાં આવે તો ભૂગર્ભ જળસ્તર વધારી આવનારી પેઢીને પાણીની અમૂલ્ય ભેટ આપી શકાશે. મંત્રીએ શહેરીજનોને ઘર, સોસાયટી કે ઈન્ડસ્ટ્રી સહિતની કોઈ પણ જગ્યાએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું માળખું ઊભું કરવા તંત્રની મદદ-માર્ગદર્શન લેવા અપીલ કરી હતી, અને જનભાગીદારી વડે ક્રાંતિરૂપે વરસાદી પાણીનો સંચય કરવા આગ્રહ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મેયર દક્ષેશભાઈ માવાણીએ શહેરના અદ્વિતીય વિકાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભવિષ્યમાં લોકોની જરૂરિયાતોને સમજીને કરાતા આયોજનને કારણે સુરતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ઔદ્યોગિક હબ સમા સુરતમાં પ્રતિદિન વધી રહેલી વસ્તીને પરિણામે બનવા જઈ રહેલા ત્રણેય બ્રિજ દૈનિક ધોરણે-નિયમિત પરિવહન કરતાં લોકો માટે આશીર્વાદરૂપ બનશે.
વધુમાં તેમણે કહ્યું કે, હાલમાં સુરત પોલીસ અને પાલિકા દ્વારા શરૂ કરાયેલી ટ્રાફિક નિયંત્રણ ઝુંબેશને કારણે છેલ્લા ૫૦ દિવસમાં ૩૬ માનવમૃત્યુ ટાળી શકાયા છે. તેમજ ચેઇન અને મોબાઈલ સ્નેચિંગના કિસ્સામાં ૯૦ ટકા જેટલો ઘટાડો કરી શકાયો છે. સાથે જ ભવિષ્યમાં શહેરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગને પાયલોટ પ્રોજેક્ટ તરીકે આગળ ધપાવવા અંગેની વિગતો આપી હતી. જેથી સ્વચ્છ અને ડિજિટલ શહેરની સાથે સુરત રેઇન હાર્વેસ્ટિંગ સિટી તરીકેની પણ ઓળખ મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્ય સંદીપભાઈ દેસાઇએ જણાવ્યું કે, એ.પી.એમ.સી માર્કેટ નજીક સાકાર થનારા બ્રિજને કારણે ઘણા સમયથી સર્જાતી ટ્રાફિક સમસ્યા હળવી થશે. સાથે જ હીરાબાગ અને માનસરોવર-ડીંડોલીમાં બનવા જઇ રહેલા બ્રિજને કારણે લોકોને રોજિંદા ટ્રાફિક વ્યવહારમાં સરળતા રહેશે. તેમણે સુરતને દેશમાં સૌથી પૂરઝડપે વિકસી રહેલા શહેર તરીકેની ઉપમા આપી હતી. શહેરમાં એક સાથે ચાલી રહેલા ડુમસ સી ફેસ, ડાયમંડ બુર્સ, વહીવટી ભવન, એરપોર્ટ સહિતના વિવિધ મોટા પ્રોજેક્ટના કારણે આવનારા સમયમાં સુરત પ્રગતિના નવા સોપાન સર કરશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરી વિકાસ માટે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં વધારો કરવામાં આવે છે. જેથી લોકોની સુખ સુવિધામાં વધારો કરનારા વિકાસના કાર્યો પણ ઝડપથી કરી શકાય છે. આ વર્ષે પણ સુરતના શહેરી વિકાસ માટે રૂ.૪૨૨૭ કરોડના બજેટની જોગવાઈ કરાઈ છે. જે ગત વર્ષ કરતાં વધુ હોવાથી શહેરીજનોની માળખાગત સુવિધામાં ઉત્તરોઉત્તર સુધારો કરવાના કાર્યો પણ બમણી કટિબદ્ધતાથી કરવામાં આવશે.
આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો સર્વ સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, સંદીપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, મનુભાઈ પટેલ, કાંતિભાઈ બલર, પૂર્વ મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, ડે.મેયરશ્રી નરેન્દ્ર પાટીલ, મહામંત્રી કિશોરભાઈ બિંદલ, કાળુભાઇ ભીમનાથ, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા, વિવિધ સમિતિના ચેરમેનઓ નેન્સી શાહ, ભાયદાસભાઈ પાટીલ, રાહુલભાઇ, મનીષા આહીર, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.