કામરેજ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી સંદર્ભે રિહર્સલ યોજાયું
કામરેજ તાલુકાના પ્રજાજનોને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી થવા જાહેર નિમંત્રણઃ
ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન થશે
કામરેજ તાલુકાના વાવ એસ.આર.પી.ગ્રાઉન્ડ ખાતે થનાર સુરત જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવાના આશયથી જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાનાર જિલ્લાકક્ષાની ઉજવણીને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓનું રિહર્સલ કરી આખરી ઓપ અપાયો હતો. જે સંદર્ભે આજે કામરેજના વાવ ખાતે એસ.આર.પી.એફ ગ્રુપ-૧૧ ના ગ્રાઉન્ડ પર જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, કામરેજ પ્રાંત અધિકારી પીપળીયા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું.
અહીં યોજાનાર પરેડમાં જિલ્લાના પોલીસ જવાનો, હોમગાર્ડ તેમજ એન.સી.સી. કેડેટ્સ દ્વારા પોલીસ બેન્ડની ધુન સાથે કવાયતનું, શાળાના બાળકો દ્વારા કરવામાં આવનારા દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું અને સરકારના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરેલ ટેબ્લોનું નિદર્શન કરાયું હતુ.